Get The App

વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ ભારદારી વાહનો રસ્તા વચ્ચે પાર્ક થતા હાલાકી

Updated: Mar 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ ભારદારી વાહનો રસ્તા વચ્ચે પાર્ક થતા હાલાકી 1 - image


- ભારદારી વાહનો અંગે દિવસે નો-એન્ટ્રી હોવા છતાં જાહેરનામાનો રોજિંદો સરેઆમ ભંગ

વડોદરા,તા.11 માર્ચ 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના  મેયર, મ્યુ. કમિશનર તથા અન્ય અધિકારીઓની મુખ્ય કચેરીએ કાયમ અવરજવર છતાં તેમના નાક નીચે ખંડેરાવ માર્કેટ પાછળ નિયત સમયે ભારદારી વાહનોને એન્ટ્રીની મનાઈ હોવા છતાં આવા વાહન ચાલકો બિન્દાસ રીતે નો એન્ટ્રી વિસ્તારમાં ઘૂસી જઈને ફ્રુટ શાકભાજી ઉતારવા બાબતે આડેધડ પાર્ક કરી દેવા સહિત અન્ય નાના-મોટા વાહનો ફ્રુટ શાકભાજી ખરીદવા ઉતારવા અંગે પણ રોડ રસ્તા વચ્ચે પાર્ક કરી દેવાતા હોવાથી અન્ય વાહનચાલકો અને રાહોદારીઓ સહિત ટુ વ્હીલર ચાલકો હેરાન પરેશાન થાય છે છતાં આ બાબતે કાયમી ધોરણે તંત્ર દ્વારા કોઇ ઉપાય કરવામાં આવતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંડેરાવ માર્કેટ પાછળ  હોલસેલમાં વેચાણ થતા વિવિધ ફ્રુટની અનેક દુકાનો અને કેબીનો આવેલી છે. જ્યારે શાકભાજી ભરીને આવતા નાના મોટા વાહનો માટે ખંડેરાવ માર્કેટ પાછળ એક દરવાજો રાખવામાં આવ્યો છે. ખંડેરાવ માર્કેટમાં બહારથી આવતા શાકભાજી ભરીને આવતી ટ્રકો- ટેમ્પો અને થ્રી વ્હીલ ઓપન રિક્ષાઓમાં શાકભાજી લેવા મુકવા અંગે આવતા હોય છે. ટ્રક જેવા ભારદારી વાહનો માટે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખંડેરાવ માર્કેટ પાછળના ભાગમાં નો એન્ટ્રી ફરમાવેલી છે છતાં પણ આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને માં બહારથી આવતા ફ્રુટ શાકભાજી ઉતારવામાં આવે છે. 

નાના મોટા તમામ વાહનો અને ભારદારી વાહન ચાલકો અન્ય વાહન અને રાહદરીઓની કોઈપણ જાતની પરવાહ કર્યા વિના રોડ રસ્તા વચ્ચે  માલ સામાન ઉતારવા બાબતે આડેધડ પાર્ક કરી દેતા હોય છે. જેથી પારાવાર ગંદકીથી વિસ્તારમાં ફેલાતી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવવાની પણ વીતી રહે છે. દરમિયાન  ખંડેરાવ માર્કેટમાં પાલિકાની આવેલી મુખ્ય ઓફિસમાં મ્યુ. કમિશનર, મેયર સહિત પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની સતત આવન જાવન હોવા છતાં ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે કાયમી ધોરણે કોઈ નિકાલ લાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News