Get The App

ગુજરાતમાં અહીં એકબાજુ હજારો લીટરનો વેડફાટ ત્યાં તંત્રએ પાણી પહોંચાડવા ફાયરબ્રિગેડને ધંધે લગાડ્યાં

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં અહીં એકબાજુ હજારો લીટરનો વેડફાટ ત્યાં તંત્રએ પાણી પહોંચાડવા ફાયરબ્રિગેડને ધંધે લગાડ્યાં 1 - image


વડોદરાઃ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ આજે બીજા દિવસે પણ જારી રહેતાં લોકોમાં  ભારે રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા આવતીકાલથી સ્થિતિ રાબેતા મુજબ થશે તેવી  હૈયાધારણ આપવામાં આવી રહી છે.

શહેરના વાઘોડિયારોડ,આજવારોડ, હરણી સહિતના અનેક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા રીપેરિંગ કામને કારણે પીવાના પાણીનું વિતરણ નહિં થતાં હજારો લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.પાણી માટે ખાનગી ટેન્કર તેમજ પાણીના ૧૦ થી ૨૦ લીટરના જગ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

તો બીજીતરફ ફાયર  બ્રિગેડને પણ  પાણીનું વિતરણ કરવાની કામગીરી દરમિયાન ભારે અડચણ પડી રહી છે.કોર્પોરેશનની પાણીની ટાંકીમાં પણ પાણીનો જથ્થો અપૂરતો હોવાને કારણે ફાયર બ્રિગેડની ટેન્કરોને મુશ્કેલી પડી રહી છે.

આજવા રોડ વિસ્તારમાં સરદાર એસ્ટેટ ખાતે પાણીની ટાંકી ખાતે લોકોએ હલ્લાબોલ કરતાં એક ટેન્કરને રોકી હતી.જેથી પોલીસને દરમિયાનગિરી કરવી પડી હતી.

પૂર્વ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન, ફતેગંજમાં ચાર દિવસથી પાણીની રેલમછેલ

લાખો લીટર શુધ્ધ પાણીનો વેડફાટ, લોકો પાણીમાં વાહનો અને કપડાં ધોઇ રહ્યા છે

ગુજરાતમાં અહીં એકબાજુ હજારો લીટરનો વેડફાટ ત્યાં તંત્રએ પાણી પહોંચાડવા ફાયરબ્રિગેડને ધંધે લગાડ્યાં 2 - image

એક તરફ પૂર્વ વિસ્તારના અનેક મકાનોમાં બે દિવસથી પાણી નથી ત્યારે બીજીતરફ ફતેગંજ બ્રિજ પાસે કોર્પોરેશનની પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર શુધ્ધ પાણી ચાર દિવસથી વેડફાઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ,પાણી સતત વહી રહ્યું છે અને લોકો આ પાણીમાં વાહનો અને કપડાં પણ ધોઇ રહ્યા છે.

પાણી વિતરણની વ્યવસ્થા ફાયર બ્રિગેડને માથે પડી

ત્રણ દિવસથી નોંધાવેલી ટેન્કરો હજી પહોંચાડી શક્યા નથી

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા માટે ફાયર  બ્રિગેડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ આ કામગીરી કરતાં ફાયર બ્રિગેડને નાકે દમ આવી જાય છે.

ફાયર  બ્રિગેડ પાસે ટેન્કરો હોવાને કારણે તેમના દ્વારા નિયત રકમ ભરી ટેન્કર માંગનાર વ્યક્તિને ટેન્કર પહોંચાડવામાં આવતી હોય છે.ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,તા.૨૭થી ૨૯ દરમિયાન  અનેક વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હોવાથી લોકોએ ટેન્કરો મંગાવી હતી.

પરંતુ ટેન્કરની માંગણી વધુ પડતી થવાને કારણે અમારો સ્ટાફ પહોંચી વળતો નથી.હજી ૧૫૦ જેટલી ટેન્કરો પહોંચાડવાની બાકી છે.જેમાં બે દિવસ પહેલાં નોંધાવી હોય તેવા પણ કેટલાક લોકોને પણ હજી પાણીની ટેન્કર પહોંચાડી શક્યા નથી.


Google NewsGoogle News