મહુધામાં પાણીની સમસ્યાના લીધે 15 દિવસથી લોકો હેરાન
25 હજારની વસ્તીમાં 13 બોર હોવા છતાં પાણીનો પોકાર
બોરની બગડેલી મોટર આવે ત્યારે પાણીનો ફોર્સ મળે તેવા પાલિકાના ઉડાઉ જવાબ
મહુધા: મહુધા નગરપાલિકાના અનેક વિસ્તારોમાં પાણીના અપૂરતા સોર્સ અને કેટલાક વિસ્તારોમાં ટીંપું પાણી નહીં આવતું હોવાની બૂમો પડી રહી છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં ૧૫ દિવસથી પાણીની સમસ્યાના કારણે લોકો હેરાન બન્યા છે.
મહુધા નગરપાલિકામાં હાલ ૧૩ જેટલા બોર કાર્યરત છે. તે પૈકી સૌથી મુખ્ય ગણી શકાય તેવો નગરપાલિકા પાસે આવેલા ભીમ કુવાની મોટર બગડતાં પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે સપોટગ બોરની પાણી વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. મોટર બગડી જતા વડોદરા મોકલવામાં આવી છે. જે આવે ત્યારે ફોર્સ મળે તેવા ઉડાવ જવાબથી જનતા રોષે ભરાઈ છે.
મહુધા નગરપાલિકાના ૧૩ બોર ઉપર છ જેટલા કર્મચારીને મુકવામાં આવ્યા છે. જેમની ક્ષમતા પણ ઘટતી જઈ રહી છે. અપૂરતા મેન ફોર્સના કારણે પણ અચાનક આવેલી સ્થિતિને પહોંચી વળાય તેમ નથી. ત્યારે મહુધાના વિવિધ વિસ્તારોમાં ડાકોર સ્થિત મુખ્ય ટાંકીના બોરથી છેલ્લા અઠવાડિયામાં રોજના ૧૧ ટેન્કરોના ફેરા મારવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ૬૫ જેટલા પાણી ભરેલા ટેન્કરો પ્રજાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ટેન્કરોના ફેરા જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારોમાં પાણીનો ફોર્સ અપૂરતો હોવાની સાથે મહુધાની ચોક્કસ વિસ્તારની મહિલાઓ દ્વારા પોતાના નળ ખુલ્લા રાખીને ખુલ્લી ગટરો ઉપર ચાલુ રાખી દેવાના પરિણામે પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે અપૂરતો ફોર્સ વધારી વધારે માત્રામાં પાણી અપાય તેવી માંગણી લોકો કરી રહ્યા છે.