કોર્પોરેટરે પોતાના ઘર તેમજ ગલીની સફાઇ કરાવતા લોકો રોષે ભરાયા
કારેલીબાગની સોસાયટીઓની ગલીઓ ગંદકીથી ઘેરાયેલી ઃ વાહનો પણ સ્લીપ થતા મહિલા નેતાને ઘેરી પ્રશ્નોનો મારો કર્યો
વડોદરા, તા.30 વિશ્વામિત્રી નદીના પૂરમાં કારેલીબાગ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત નદી કિનારાની સયાજી, વિશ્વકુંજ સોસાયટીના રહીશો બે દિવસ સુધી આશરે ૯ ફૂટ પાણીમાં રહ્યા બાદ પાણી ઓસરતાં જ આ સોસાયટીમાં રહેતા ભાજપના કોર્પોરેટરે સોસાયટીની ગલીઓની ગંદકી દૂર કરવાના બદલે પોતાના ઘર તેમજ ગલીમાંથી જ કચરો અને ગંદકી હટાવતા સોસાયટીના રહીશોએ કોર્પોરેટરને ઘેરી અત્યાર સુધી ક્યાં હતાં તેવા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી સયાજી, વિશ્વકુંજ સોસાયટી તેમજ બુધ્ધદેવ કોલોનીમાં નદીના પૂરના પાણી ફરી વળતા આ સોસાયટીના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. સોમવારની રાતથી ગુરુવારની સવાર સુધી લોકોએ પહેલાં માળે રહીને દિવસો વિતાવવા પડયા હતાં. આ દિવસો દરમિયાન સોસાયટીના રહીશોને કોઇપણ મદદ નહી મળતાં લોકો રોષે ભરાયા હતાં. મહત્વની બાબત એ છે કે સયાજી સોસાયટીમાં જ ભાજપના કોર્પોરેટર રુપલબેન મહેતા રહેતા હોવા છતાં સોસાયટીના લોકો મદદથી વંચીત રહ્યા હતાં.
પૂરના પાણી દરમિયાન બોટ દ્વારા પીવાનું પાણી પણ પહોંચાડતું ન હતું આવી જ સ્થિતિ નજીકની વિશ્વકુંજ સોસાયટીની હતી. કોર્પોરેટર રહીશોના ફોન પણ ઉપાડતાં ન હતાં જેથી લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ગઇકાલે પાણી ઓસરતાં જ સોસાયટીની તમામ ગલીઓમાં ઠેર ઠેર કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું હતું અને વાહનો પસાર થાય તો સ્લીપ થઇ જતા હતાં. ગઇકાલે પણ સ્થાનિક તંત્ર અથવા કોર્પોરેટરો દ્વારા કોઇ મદદ મળી ન હતી.
દરમિયાન આજે સવારે બે-ત્રણ સફાઇ કામદારો મહિલા કોર્પોરેટરના ઘેર તેમજ તેમની ગલીમાં સાફ સફાઇ કરવા ઉતર્યા હતાં ફોગિંગ કરાવી કચરો પણ હટાવ્યો હતો આ વાત સોસાયટીઓમાં ફેલાતા લોકો રોષે ભરાયા હતાં અને કોર્પોરેટર રુપલબેન પણ સામે આવતાં લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. કોર્પોરેટરને ઘેરી વળી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આ વખતે કોર્પોરેટર કાંઇ જવાબ આપી શક્યા ન હતાં. તેઓ માત્ર સાંભળતા જ રહ્યા હતાં. પોતાના વોર્ડ વિસ્તારની સફાઇ કરાવવાના બદલે ઘરની સફાઇ કરાવતા લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. આ અંગે કોર્પોરેટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં તેમણે ફોન ઉપાડયો ન હતો.