બ્લાસ્ટ બાદ પાંચ કિમી સુધીના વિસ્તારમાં કાચ તૂટયા પણ એક સાયરન ના વાગી
વડોદરાઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીમાં આજે થયેલા પ્રચંડ બ્લાસ્ટે હજારો લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા.આ દુર્ઘટનાને લઈને ગુજરાત રિફાઈનરીની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.
વડોદરા કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું હતું કે, પાંચ કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ધૂમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા અને સેંકડો ઘરોના કાચ પણ તુટયા છે.આટલી મોટી ઘટના છતા સાયરન પણ વાગી નહોતી.વડોદરાના તંત્રમાં ચાલતી પોલમપોલના કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.વડોદરા જીવતા બોમ્બ પર બેઠું હોવાની રજૂઆતો અવાર નવાર કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, બેન્ઝિનની ટેન્કમાં બ્લાસ્ટ થયો છે.બેન્ઝિન અત્યંત રિેએકટ્વિલ અને સ્ફોટક હોય છે.તેનો ધૂમાડો હાનિકારક હોય છે.જો અમુક કલાકો સુધી આગ કાબૂમાં ના આવે તો તેને મેજર એક્સિડન્ટ કોલ જાહેર કરવો જોઈએ.તેનો ધૂમાડો આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારમાં લોકોને ગંભીર અસર કરી શકે છે.હવાની દિશા જોઈને આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવા જોઈએ તેમજ એક નોડલ ઓફિસરની સરકારે નિમણૂક કરવી જોઈએ.
સામાન્ય રીતે તો એન-૯૫ માસ્ક વગર તો આગના સ્થળની નજીક પણ જવું હાનિકારક હોય છે.તંત્ર વહેલી તકે આગ કાબૂમાં લે અને લોકોને જરુર પડે તો સલામત સ્થળે ખસેડે તેવી માગણી છે.