સ્માર્ટ વીજ મીટરો સામે આક્રોશ, ગોરવામાં લોકોએ વીજ કંપનીની ટીમને પાછી કાઢી
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જૂના મીટરોની જગ્યાએ લગાવાઈ રહેલા સ્માર્ટ મીટરો સામે લોકોનો આક્રોશ આખરે સપાટી પર આવ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી સ્માર્ટ મીટર સામે શરુ થયેલા વિરોધ વચ્ચે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટસ નામની પ્રધાન મંત્રી આવાસ યોજનાના રહેવાસીઓએ આજે વીજ કંપનીની ટીમને પાછી કાઢી હતી.
સ્વામી વિવેકાનંદ હાઈટસના લોકોએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે,સ્માર્ટ મીટર લગાવતા પહેલા અમને જાણ પણ નહોતી કરવામાં આવી.જે લોકોએ મીટર લગાવવા સામે જે તે સમયે વિરોધ કર્યો તે વખતે તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, જો તમે મીટર નહીં મૂકાવો તો ૧૦૦૦૦ રુપિયા દંડ થશે.અમને નવા મીટર જોઈતા જ નથી.તમે સ્માર્ટ મીટર પાછા લઈ જાવ અને જૂના મીટરો પાછા લગાવી જાવ.સરકાર અને તંત્ર ગરીબ પ્રજાને હેરાન કરી રહ્યુ છે.આ મીટરો લગાવ્યા બાદ બિલ પણ વધારે આવી રહ્યુ છે.૫૦૦ રુપિયાનુ રિચાર્જ પાંચ- ૬ દિવસમાં તો ખતમ થઈ જાય છે.અમારે કમાઈ-કમાઈને એમજીવીસીએલને જ પૈસા આપવાના છે?છેલ્લા પંદર દિવસથી અમે હેરાન થઈ રહ્યા છે.એક રહેવાસીએ તો કહ્યુ હતુ કે, મારુ ૮૦૦ રુપિયાની જગ્યાએ ૨૪૦૦ રુપિયા બિલ આવી રહ્યુ છે.એક જ દિવસમાં મારો ૧૧ યુનિટ વીજ વપરાશ બતાવ્યો છે.જે શક્ય જ નથી.
સ્થાનિક રહેવાસીઓએ કહ્યુ હતુ કે, આવતીકાલે-ગુરુવારે સ્વામી વિવેકાનંદ હાઈટસ તેમજ ગોરવા વિસ્તારમાં જયાં પણ સ્માર્ટ મીટરો લાગેલા છે તે લોકોને ભેગા કરીને રેસકોર્સથી કલેકટર કચેરી ખાતે એક રેલી કાઢીશું અને કલેકટરને આવેદનપત્ર આપીને ધરણા કરીશું.સ્માર્ટ મીટર અમારે કોઈ પણ સંજોગોમાં જોઈતા નથી.
દરમિયાન લોકોના વિરોધને જોતા વીજ કંપનીની એક ટીમ આજે સ્વામી વિવેકાનંદ હાઈટસ ખાતે પહોંચી હતી.આ ટીમ નવા મીટરની સાથે જૂનુ મીટર નાંખવા માંગતી હતી પણ લોકોએ અમારે નવા મીટર જોઈતા જ નથી તેમ કહીને ટીમને પાછી મોકલી હતી.
માંજલપુરની કેદારધામ સોસાયટીના લોકોનો વિરોધ
નવા મીટરોમાં જૂના મીટરો કરતાં વધારે વીજ બિલ આવી રહ્યું છે
માંજલપુર, જીઆઈડીસી રોડ પર આવેલી કેદારધામ સોસાયટીના લોકોએ પણ સ્માર્ટ વીજ મીટરો સામે વિરોધ વ્યક્ત કર્યો છે.સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, કોઈ પણ પ્રકારની સમજ આપ્યા વગર અને અમને આગોતરી જાણ કર્યા વગર એક ટીમ આવીને સ્માર્ટ વીજ મીટરો બેસાડી ગઈ હતી.જૂના મીટરો કરતા નવા મીટરોમાં વીજ વપરાશ વધારે આવે છે અને રોજ સરેરાશ ૧૫૦ થી ૨૫૦ રુપિયા બિલ આવી રહ્યુ છે.નવા મીટરો અને જૂના મીટરોના યુનિટ વપરાશના સ્લેબમાં અને યુનિટ ચાર્જમાં પણ વિસંગતતાઓ જોવા મળી રહી છે.અમને નવા મીટરો જોઈતા નથી અને વીજ કંપની અમને જૂના મીટરો બેસાડી આપે તેવી અમારી માંગી છે.