વિશ્વામિત્રી નદીના પૂર કરતાં લોકોમાં મગરોની વધુ ધાક,મગરો દેખાવા માંડયાઃભૂંડના શિકારનો વીડિયો વાયરલ
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર કરતાં મગરોની લોકોમાં વધુ ધાક દેખાઇ છે.જેને કારણે લોકો ઝડપભેર સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.
વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા ખૂબ છે અને વારંવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે.વિશ્વામિત્રી નદીમાં પૂર આવતાં હવે મગરો માનવ વસ્તીમાં વધુ સંખ્યામાં આવી જશે તેવો ભય સેવાઇ રહ્યો છે.
બીજીતરફ મગરોએ શહેરમાં દેખા દેવા માંડી છે.ગઇરાતે લટાર મારવા નીકળેલો મગર ફતેગંજની નરહરિ હોસ્પિટલ પાસે મેન રોડ પર આવી જતાં લોકો ભયભીત થયા હતા.જીવદયા કાર્યકરોને જાણ કરાતાં મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આવી જ રીતે બે દિવસ પહેલાં મગરે કૂતરાનો શિકાર કર્યાનો વીડિયો વાયરલ થયો હતો.જ્યારે,હવે પૂરની સ્થિતિ વચ્ચે કારેલીબાગ જલારામ નગર વસાહત નજીક મગરે એક ભૂંડનો શિકાર કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આગામી સમયમાં મગરો મોટી સંખ્યામાં સ્થળાંતર માટે નદીમાંથી બહાર નીકળે તેવી દહેશત છે.જેથી આવા કિસ્સાઓમાં લોકોએ સાવચેતી રાખી જીવદયા કાર્યકરો તેમજ ફોરેસ્ટ વિભાગની મદદ લેવી જોઇએ.