નાની ઉમરે લોકો ટપોટપ મરી રહ્યા છે અને આરોગ્ય તંત્ર ઊંઘી રહ્યું છે
46 વર્ષના વકીલ અને ખાનગી કંપનીના 37 વર્ષના મેનેજરનું હાર્ટ એટેકથી મોત
વડોદરા : કોરોના પછીની ઘાતક અસર વર્તાઇ રહી છે. નાની ઉમરમાં લોકો ટપોટપ મરી રહ્યા છે તેમ છતાં આ મામલે સરકાર હજુ સુધી જાગી નથી. આરોગ્ય તંત્ર પણ ઊંઘી રહ્યું છે. વડોદરામાં રવિવારે ૪૬ વર્ષના વકીલ અને ખાનગી કંપનીના ૩૭ વર્ષના મેનેજરનું હાર્ટ એટેકથી મોત થયુ હતું. બન્નેને કોઇ બિમારી નહતી અને અચાનક જ મોત થતાં બન્ને પરિવાર આઘાતમાં સરી પડયા છે.
વડોદરા કોર્ટમાં ૧૬ વર્ષથી પ્રેક્ટિસ કરતા ૪૬ વર્ષના વકીલ કમલેશ ગંગવાણીનું રવિવારે રાત્રે હાર્ટ એટેકથી ઘરમાં જ મોત થયુ હતું. તેમના ભાઇ વકીલ દિનેશ ગંગવાણીએ કહ્યું હતું કે કમલેશભાઇને કોઇ બિમારી નહતી.
વકીલ તો હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવીને ઘરે આવ્યા અને હાર્ટ એટેક આવી ગયો, મેનેજરને તો હોસ્પિટલ સુધી પહોંચવાની પણ તક ના મળી
કાલે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં તેને બેચેની લાગતા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યા તેઓના રિપોર્ટ કઢાવ્યા હતા જે નોર્મલ આવતા રજા આપી દીધી હતી. ઘરે પહોંચીને વકીલ ઘરમાં નીચેના રૃમમાં આરામ કરવા ગયા હતા અને હું ચકલી સર્કલ નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને ૨૦ મિનિટમાં ઘરે પરત આવ્યો અને કમલેશભાઇની તબીયત પુછવા રૃમમાં ગયો તો તેઓ બેભાન હાલતમાં હતા એટલે તુરંત ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજા કિસ્સામા સમા વિસ્તારમાં અભિલાષા ચોકડી પાસે ભગવતી નગરમા રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મનીષભાઇ હમીરભાઇ પ્રજાપતિ (ઉ.૩૭) રવિવારે સવારે નહાવા માટે ગયા હતા અને બાથરૃમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેઓને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો એટલે તેમની પત્નીએ બામ ઘસી આપ્યો હતો પરંતુ થોડીવારમાં જ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને બેભાન થઇ જતાં મનીષભાઇને હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મનિષભાઇને કોઇ બિમારી નહતી તેમ તેના ભાઇ કિશોરભાઇ પ્રજાપતિએ કહ્યું હતું.
ગરમી અને બફારાના કારણે બેચેની બાદ બે વ્યક્તિઓના મોત
માંજલપુર વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીના ગેટ પાસેથી આજે સવારે ૭ વાગ્યાના અરસામાં આશરે ૫૫ વર્ષની ઉમરના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ થઇ શકી નથી. લાશને કોલ્ડરૃમમાં મુકવામા આવી છે.
બીજા બનાવમાં ભાયલી ગામ નજીક અર્થ એક્રોપોલીસ એપાર્ટમેન્ટમાં રહેતા વિશ્વનાથદાસ નારાયણદાસ જીયાણી સવારે ૧૧.૩૦ વાગ્યે નહાવા ગયા હતા. નહાઇને બાથરૃમમાંથી પરત આવ્યા બાદ તેઓને બેચેની લાગતા તેઓ રૃમમાં આરામ કરવા ગયા હતા. થોડા સમય પછી તેમના પત્ની રૃમમાં ગયા ત્યારે વિશ્વનાથદાસ બેહોશ હાલતમાં હતા આથી તેમનો પુત્ર ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેઓને ગોત્રી હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.