કાલાઘોડા બ્રિજ પાસે પાણીની રેલમ છેલ થી લોકોમાં ફરી લીકેજ થયાનો ધ્રાસકો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
કાલાઘોડા બ્રિજ પાસે પાણીની રેલમ છેલ થી લોકોમાં ફરી લીકેજ થયાનો ધ્રાસકો 1 - image


વડોદરા ના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા 36 ઇંચની પાણીની ફીડર લાઈનમાં લીકેજના રીપેરીંગ બાદ બીજું પણ એક સામાન્ય લીકેજ જોવા મળ્યું હતું ,તે પણ રીપેર કરી દેવાયું છે, અને તમામ કામગીરી ગઈ મધરાતે પૂર્ણ થઈ ચૂકી છે . કલાકો સુધી ફાજલપુર ની ફીડર લાઈન ખાલી રહેતા લાઈનમાં એર ભરાતા આજ સવારે કાલાઘોડા પાસે એર વાલ્વ ખોલી લાઈન માંથી એર ખાલી કરવામાં આવતા તેની સાથે સાથે પાણી પણ છોડાતા રેલમ છેલ ના દ્રશ્યો જોવા મળ્યા હતા, અને લોકોને ફરી એવો ધ્રાસકો પડ્યો હતો કે લાઈન લીકેજ થઈ છે, પરંતુ હકીકતમાં એવું ન હતું. બે ત્રણ કલાક સુધી લાઈન માંથી એર ખાલી કર્યા બાદ પાણી જુદા જુદા વિસ્તારોમાં ફોર્સથી પહોંચવાનું શરૂ થશે. ગઈકાલે રીપેરીંગ કર્યા બાદ મોડેથી ઓછા સમય માટે લો પ્રેસર થી પાણી અપાયું હતું, પરંતુ કામગીરી દરમિયાન લાઈનમાં માટી ભરાતા ઘણા વિસ્તારોમાં માટી વાળું ડહોળા પાણીની ફરિયાદ જોવા મળી હતી. સામાન્ય રીતે પાણીની મોટી લાઈનમાં જ્યારે રીપેરીંગ નું કામ કરવામાં આવે છે, ત્યારે કલાકો સુધી લાઈન ખાલી રહેતા રીપેરીંગ બાદ પાણી ચાલુ કરવામાં આવે છે ત્યારે લાઈનમાં એરનો ભરાવો થતા પાણી આગળ પસાર થઈ શકતું નથી. જેના માટે લાઈન માંથી એર ખાલી કરવાની ટેકનિકલ કામગીરી કરવામાં આવે છે. ફતેગંજમાં બ્રિજ પાસે પોસ્ટ ઓફિસ નજીક છેલ્લા કેટલાક દિવસથી 15 ફૂટ ઊંડાઈએ ફાજલપુર ફ્રેન્ચ કુવાની ફીડર લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું અને દિવસો સુધી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. વર્ષો જૂની સડેલી લાઈનમાં લીકેજ રીપેરીંગ કરતા તંત્રને ખૂબ મુશ્કેલી પડી હતી. ગઈકાલે બપોરે લાઈન નું રીપેરીંગ કામ પૂર્ણ કર્યા બાદ ફરી લીકેજ જોવા મળતા તાબડતોબ રીપેરીંગ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધીમાં પૂર્ણ કર્યું હતું. ફતેગંજ ની આ લાઈનનું લીકેજ રીપેરીંગ પૂર્ણ થઈ જતા તંત્ર હાલ રાહત અનુભવી રહ્યું છે, કારણ કે આ લીકેજને લીધે બે દિવસ સુધી પાંચ લાખ લોકોને પાણીની હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો.


Google NewsGoogle News