નર્મદાની પંશકોશી ઉત્તરવાહિની પરિક્રમાનો રૂટ બદલવાની કુચેષ્ટાથી ભાવિકોમાં રોષ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
નર્મદાની પંશકોશી ઉત્તરવાહિની પરિક્રમાનો રૂટ બદલવાની કુચેષ્ટાથી ભાવિકોમાં રોષ 1 - image


- પરિક્રમામાં વ્યવસ્થા કરવાને બદલે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નવા રૂટનો આસાન તરીકો શોધી પૌરાણિક મહાત્મ્યને ભૂંસવાની પેરવી કરી

વડોદરા,તા.08 માર્ચ 2024,શુક્રવાર

પુણ્ય સલિલામાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાના પૌરાણિક કાળથી ચાલ્યા આવતા રૂટને બદલવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેરવી કરવામાં આવતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે. જેની અસર પરિક્રમા શરૂ થતાં જ વહીવટી તંત્ર પડશે. 

સમગ્ર ગુજરાતમાંથી ચૈત્ર માસ દરમિયાન નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા રામપૂરાથી લઇ 16 કિલોમિટર નદી કાંઠે પગપાળા શરૂ કરવામાં આવે છે અને આ યાત્રાનો અંતિમ વિરામ પણ રામપૂરા ઘાટ ખાતે થાય છે. આ પરિક્રમાનો રૂટ પૌરાણિક કાળથી ચાલ્યો આવે છે. પરિક્રમા દરમિયાન ઉત્તર તરફ પ્રયાણ કરતી વખતે હોડી દ્વારા બે સ્થળે નર્મદા નદી પાર કરવાની હોય છે. જેના માટે દર વર્ષે વહીવટી તંત્ર તરફથી હોડીનો ઇજારો આપવામાં આવે છે. પરંતુ, ઇજારાદાર દ્વારા જરૂરિયાત કરતા ઓછી હોડી મૂકવામાં આવે છે, જેથી પરિક્રમાર્થીઓને એકથી દોઢ કલાક સુધી હોડીની રાહ જોઇને સમય પસાર કરવો પડે છે. 

ગત્ત વર્ષે બે કોન્ટ્રાક્ટરોના ઝઘડાના કારણે અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની નિષ્ફળતાને પરિણામે અનેક પરિક્રમાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જે અંગે સ્થાનિક વિવિધ સંપ્રદાયના આશ્રમના સાધુસંતોએ અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. છતાં પણ કોઇ ઉકેલ આવ્યો નહોતો. બલ્કે વહીવટી તંત્રએ તો ભાવિકોને ગભરાવવા નર્મદા નદીમાં મગર હોવાનું કારણ ધરી ચાલીને નદીમાંથી પસાર થવું તેવા બોર્ડ લગાવી દીધા હતા અને પ્રતિબંધાત્મક આદેશ કર્યા હતા. તેમ છતાં હોડીની સંખ્યામાં વધારો કરવામાં અને પાઇપનો હંગામી પૂલ બનાવવાનું નક્કી કર્યું હતું. તે કામ પણ અધુરૂ રહ્યું હતું. 

ગુજરાતભરમાંથી આવતા ભાવિકો માટે નદી કાંઠી ચાલતા પસાર થાય તે પ્રમાણે જરૂરી પગદંડી બનાવવા માટે વડોદરાના સાંસદે પણ રજૂઆત કરી હતી. પરંતુ, તેની વ્યવસ્થા કરવામાં પણ વહીવટી તંત્ર ઉણું ઉતર્યું હતું. વહીવટી તંત્રને એક વર્ષનો સમય મળ્યો છતાં, ભાવિકોને મુશ્કેલી પડે નહી, તેવી જરૂરી વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી. તેના બદલે હવે વહીવટી તંત્ર આ પૌરાણિક રૂટને બદલવાની ગંભીર પેરવી કરી રહ્યું છે. 

પૂલ ના થાય તો મોટરમાર્ગને બદલે હોડીની સંખ્યામાં વધારો કરવો જરૂરી 

નર્મદા જિલ્લાના વહીવટી તંત્રએ પરિક્રમાના રૂટ ઉપર જો પૂલ માટે આ વર્ષે મંજૂરી નહી મળે તો મોટરમાર્ગ પ્રમાણે પરિક્રમા કરવાનો રૂટ નક્કી થશે, તેવી ગુલબાંગો પોકારી છે. ત્યારે રૂટ બદલવાની પેરવી કરવાને બદલે વર્ષોથી પરંપરાગત રીતે નર્મદા કિનારે ચાલીને રામપૂરાથી રામપૂરા ઉત્તરવાહિની પરિક્રમા કરવાનો રૂટ નક્કી છે જ્યાં બે સ્થળે હોડીની મદદથી નર્મદા નદી પાર કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે થતી નથી. જેથી ભાવિકોને એકથી દોઢ કલાક સુધી હોડીની લાઇનમાં ઉભા રહેવાની નોબત આવે છે. ત્યારે, વહીવટી તંત્રએ અત્યારથી હોડીનો જે કોન્ટ્રાક્ટ મામલતદાર નક્કી કરવામાં આવે છે, તેમાં હોડીની સંખ્યામાં જરૂરિયાત મુજબ વધારો કરવાની જોગવાઇ કરવામાં આવે તે જરૂરી છે. 

પંચકોશી પરિક્રમા નહી, પણ તંત્ર 272 કોશી પરિક્રમા કરાવશે ! 

ઉત્તર દિશા તરફ વહેતી નર્મદા નદીને પગપાળા પાંચ કોશ જેટલું ચાલની કરવામાં આવતી પરિક્રમાને પંશકોશી ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રના નવા મોટરમાર્ગનો રૂટ પંશકોશીનું મહાત્મ્ય જ ભૂંસી નાખશે. એક કોશ એટલે લગભગ 3.2 કિલોમિટર અંતર થાય છે. નવા સૂચિત મોટરમાર્ગના રૂટના કિલોમિટર પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 85 કિલોમિટર પ્રમાણે હવે આ પરિક્રમા પંશકોશી નહીં પરંતુ 272 કોશી પરિક્રમા થઇ જશે. એટલું જ નહીં, નર્મદા કાંઠે ચાલીને જવાનું જે મહાત્મ્ય છે, તે પણ ભૂંસાઇ જશે.


Google NewsGoogle News