વડોદરા કોર્પોરેશનમાં પેન્શનરોને એક મહિનામાં પોતાની હયાતીની ખાતરી કરાવી લેવા તાકીદ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનમાં પેન્શનરોને એક મહિનામાં પોતાની હયાતીની ખાતરી કરાવી લેવા તાકીદ 1 - image


- તારીખ 1 થી 31 જાન્યુઆરી સુધી આ કામગીરી ચાલશે 

- હયાતીની ખાતરી નહીં કરાવે તો પેન્શન બંધ થશે

વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેસ ખાતા સહિતના પેન્શનરોને વર્ષ 2024 માટે પોતાની હયાતી અંગેની ખાતરી કરાવી લેવા જણાવ્યું છે. તારીખ 1થી આ કામગીરી શરૂ થશે, જે તારીખ 31 જાન્યુઆરી સુધી ચાલશે.

પેન્શનરો અને ફેમિલી પેન્શનરોએ પોતાની હયાતી ખાતરી કરાવવા, પુનઃલગ્ન નહીં કર્યા અંગે કોર્પોરેટર અથવા સરકારી ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવા, ફેમિલી પેન્શન મેળવતા વારસદાર પુત્ર, પુત્રી, માતા-પિતા તેમજ વિકલાંગોએ માસિક આવકનું પ્રમાણપત્ર અને પેન્શન નંબર સાથે હિસાબી શાખામાં પેન્શન વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. ચાલુ વર્ષે હયાતી અંગેની ખાતરી બાયોમેટ્રિક પદ્ધતિથી પણ કરાશે. જે પેન્શનરોના બાયોમેટ્રિક બાકી છે તેવા લોકોને જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આવકવેરા કાયદા મુજબ ટેક્સને પાત્ર પેન્શનરોએ તેમના પાનકાર્ડની નકલ તથા રોકાણોની વિગતો પુરાવા સાથે હયાતી દરમિયાન અચૂક રજૂ કરવા પણ કહ્યું છે. બહારગામ રહેતા પેન્શનરોને હયાતી અંગેની ખાતરી આ મુદતમાં કરાવવાની રહેશે. નક્કી કરેલી મુદતમાં પેન્શનરો હયાતીની ખાતરી નહીં કરાવે તો પેન્શન બંધ થશે અને ફરી જ્યાં સુધી હયાતીની ખાતરી ન કરાવે ત્યાં સુધી ચાલુ ન થઈ શકે. વડોદરા કોર્પોરેશનમાં ગેસ ખાતા સહિતના આશરે 8200 પેન્શનર્સ છે, જેઓને માસિક રૂપિયા 16 કરોડનું પેમેન્ટ કરવામાં આવે છે.


Google NewsGoogle News