વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના પોલ પરથી ગેરકાયદે કેબલો અને વાયરો 7 દિવસમાં નહીં હટાવાય તો દંડ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટના પોલ પરથી ગેરકાયદે કેબલો અને વાયરો 7 દિવસમાં નહીં હટાવાય તો દંડ 1 - image

image : Freepik

Wire in Electric Pole in Vadodara : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના સ્ટ્રીટલાઇટનાં પોલ પર ગેરકાયદે રીતે કેબલ નેટવર્ક પ્રોવાઇડર, ઇન્ટરનેટ અને ટીવી કેબલ નેટવર્કના લગાવેલા કેબલો અને વાયરો જો સાત દિવસમાં કાઢી નાખવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં ભરી દંડની વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરવા અંગે વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ જારી કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તા ઉપર અંદાજે 8500 થાંભલા તેમજ આંતરિક રસ્તા ઉપર પણ આશરે 8500 થાંભલા ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે સ્ટ્રીટ લાઈટની આંતરિક ગલીઓમાં પણ સુવિધા પૂરી પાડવા વીજ નિગમના થાંભલા ઉપયોગમાં લેવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટના આ થાંભલાઓ ઉપર કેબલ નેટવર્ક પ્રોવાઇડર, ઇન્ટરનેટ પ્રોવાઇડર તથા અન્ય ત્રાહિત ઇસમો દ્વારા તેઓની કામગીરી માટે ફાઇબર કેબલો, જંક્શન બોક્સ, કંટ્રોલ કેબલો તેની એસેસરીઝ વગેરે ફિટ કરીને ગેરકાયદે દબાણ કરે છે. આમ કરવાને લીધે સ્ટ્રીટ લાઈટના મેન્ટેનન્સ ની કામગીરીમાં અડચણ ઉભી થાય છે. આવા કેબલો આડેધડ ખેંચવાના કારણે સ્ટ્રીટલાઇટનું બ્રેકેટ ડિવાઇડર તરફ ફરી જાય છે. જેથી પ્રકાશ રોડ પર પડવાના બદલે ડીવાઇડર ઉપર પડે છે એટલું જ નહીં સ્ટ્રીટ લાઈટની બ્રેકેટની દિશા પણ બદલાઇ જાય છે જેના કારણે ડિઝાઇન આધારિત સ્ટ્રીટલાઇટનો જે પ્રકાશ જોઈએ તે મળતો નથી અને પ્રકાશમાં ઘટાડો થાય છે. એટલું જ નહીં એક સરખી ડિઝાઇન નહીં જળવાતા સુંદરતામાં ઘટાડો થાય છે. ખાસ કરીને ફોલ્ટ ઉભો થાય ત્યારે મેન્ટેનન્સ કરતી વખતે મુશ્કેલી પડે છે પડે છે. કેબલનું ઇન્સ્યુલેશન નીકળી જવાના કારણે શોર્ટ સર્કિટ સર્જાવાના પણ ભય રહે છે. વળી થાંભલા પર કેબલના ગૂંચળા થઈ જવાથી રીપેરીંગ કરવામાં પણ તકલીફ  થાય છે. જેથી આ પ્રકારનાં દબાણો દૂર કરવાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટીસ આપીને તાકીદ કરવામાં આવી છે કે જો સાત દિવસમાં સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાડેલ ઇન્ટરનેટના કેબલ, ટી.વી. કેબલ અને નેટવર્કને લગતા વાયરો સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો  શિક્ષાત્મક પગલા ભરી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News