લક્ષ્મીપુરા દારૃના અડ્ડા પર પીસીબીનો દરોડો : ૧.૯૫ લાખનો દારૃ કબજે

કેટલાક વોન્ટેડ બૂટલેગરો વડોદરામાં દારૃ ઉતારી રિક્ષામાં સપ્લાય કરી રહ્યા છે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
લક્ષ્મીપુરા  દારૃના અડ્ડા પર પીસીબીનો દરોડો : ૧.૯૫ લાખનો દારૃ કબજે 1 - image

વડોદરા,લક્ષ્મીપુરા પાસે દિનદયાળ વુડાના મકાનમાં ચાલતા વિદેશી દારૃના અડ્ડા  પર પીસીબી પોલીસે દરોડો પાડીને ૧.૯૫ લાખનો  દારૃ કબજે કર્યો છે.વિદેશી દારૃની  હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા રિક્ષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,  દિનદયાલ વુડાના ક્વાટર્સમાં રહેતો ગુરૃપ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજીયા  વિદેશી દારૃનો ધંધો કરે છે. તેણે એક બ્લોકના મકાનમાં દારૃ સંતાડયો છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરી હતી. પોલીસને ગુરૃપ્રસાદ મળી આવ્યો હતો. તેને સાથે રાખી  પોલીસે મકાનમાં તપાસ કરતા બાથરૃમમાં સંતાડી રાખેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૧,૧૭૯ બોટલ કિંમત રૃપિયા ૧.૯૫ લાખની કબજે કરી હતી. આ દારૃનો જથ્થો ફતેગંજના રિયાઝ શેખ પાસેથી લાવતો હોવાનું જણાવ્યું હતું. રિયાઝે આપેલા નંબર પર તે વોટ્સએપ કરે એટલે રિયાઝ રિક્ષામાં આવીને દારૃ આપી જતો હતો.   આરોપી પાસેથી મળેલા મોબાઇલ  ફોનમાં ચેક કરતા દારૃના ઓર્ડરનું લિસ્ટ મળી આવ્યું હતું. પોલીસે દારૃ, રોકડા, મોબાઇલ ફોન સહિત કુલ રૃપિયા ૨.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરી રિયાઝ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે.જોકે,  રિયાઝ પકડાય તો તેને વડોદરા સુધી દારૃ કોણ પહોંચાડી રહ્યું છે ? તે જાણી શકાય.

ઉલ્લેખનીય છે કે, પોલીસ ચોપડે વોન્ટેડ કેટલાક બૂટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાંખીને દારૃ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તેમછતાંય  પોલીસ આવા સપ્લાયરોને પકડવામાં નિષ્ફળ જાય છે.


Google NewsGoogle News