Get The App

બકરાવાડીમાં દારૃના કટિંગ સમયે જ પીસીબી પોલીસનો દરોડો : ૩.૩૫ લાખનો દારૃ કબજે

સ્ટેટ મોનિટરીંગ સેલ અને પીસીબીને દારૃ મળે છે, નવાપુરા પોલીસનો ડી સ્ટાફ ઊંઘતો ઝડપાયો

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
બકરાવાડીમાં દારૃના કટિંગ સમયે જ પીસીબી પોલીસનો દરોડો : ૩.૩૫ લાખનો દારૃ કબજે 1 - image

વડોદરા,બકરાવાડીમાં સ્ટેટ મોનિટરીંગ સેલ અને પીસીબી પોલીસ દારૃની રેડ પાડીને બૂટલેગરોને ઝડપી પાડે છે. પરંતુ, નવાપુરા પોલીસને દારૃ કે બૂટલેગર મળતા નથી. એક વર્ષ પહેલા બકરાવાડી નાડિયાવાસમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે બૂટલેગર વિરલ મિસ્ત્રીનો દારૃ પકડયો હતો. આજે પીસીબીએ પણ તે જ વિસ્તારમાંથી વિરલનો જ દારૃ પકડયો છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, નવાપુરા પોલીસને દારૃ મળતો નથી.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બૂટલેગર વિરલ મિસ્ત્રી તથા ભાવિન દારૃનો ધંધો કરે છે. આજે ભાવિન તથા સુનિલ એક કાળા કલરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૃ લાવવાના છે. તેઓ દારૃનો જથ્થો નાડિયાવાસ માતાજીના મંદિરની ગલીમાં રહેતા જયાબેન ચંદ્રકાંતભાઇ સોલંકીના ઘરમાં  ઉતારવાના છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા  ચિરાગ અમૃતભાઇ પરમાર ( રહે. ૧૮ ક્વાટર્સ, સાંઇબાબા મંદિર સામે, નવાપુરા) ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃની ૨,૩૯૯ બોટલ કિંમત રૃપિયા ૩.૩૫ લાખ, કાર, બે મોપેડ મળી કુલ રૃપિયા ૧૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી વિરલ મિસ્ત્રી, બંટી સોલંકી, સુનિલ પરમાર તથા ભાવિનને વોન્ટેડ જાહેર કર્યા છે. વિરલ સામે અગાઉ પ્રોહિબિશન ઉપરાંત આર્મ્સ એક્ટના મળી કુલ ૧૪ ગુનાઓ નોંધાયા છે. તેમજ એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૩ - ૦૭ - ૨૦૨૩ ના રોજ બકરાવાડીમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિરલ મિસ્ત્રીનો જ ૧.૩૦ લાખનો દારૃ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.

તાજેતરમાં વાડી પોલીસ દ્વારા બૂટલેગરોને છાવરવાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનનો ડીસ્ટાફ શંકાના દાયરામાં આવે છે. વિરલ મિસ્ત્રી દારૃનો ધંધો કરે છે. ત્યારે તેનો દારૃ નવાપુરા પોલીસ પકડતી નથી.


Google NewsGoogle News