વડોદરામાં મેયર ઓફિસ પ્રવેશ દ્વાર આસપાસ, કમાટી બાગ અને ગોલ્ડન ચોકડી આસપાસના ગેરકાયદે દબાણો હટાવી પેટ્રોલિંગ શરૂ
વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરના ખ્યાતનામ ફતેગંજ- કમાટી બાગના મુખ્ય રસ્તા પર વહેલી સવારથી જ ખાણીપીણી અને રમકડા સહિત વિવિધ ચીજ વસ્તુઓના લાગતા લારી ગલ્લા પથારા અને ખુમચાવાળાઓ સહિત ખંડેરાવ માર્કેટ મેયર ગેટ આસપાસના ફુલવાળા તથા ગોલ્ડન ચોકડી પાસે પડી રહેતા શ્રમજીવીઓને પાલિકા તંત્ર એ ખદેડીને પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંડેરાવ માર્કેટ ખાતે મેયરના ગેટ પ્રવેશ દ્વાર આસપાસ અડીંગો જમાવનાર ફુલવાળાઓ સહિત શાકભાજી લારીઓવાળા તથા શહેરના આકર્ષણ રૂપ કમાટીબાગ મેઇન ગેટ-2 પાસેથી બાગમાં સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવે છે.
હાલ શાળાઓ અને કોલેજોમાં વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બગીચાની મુલાકાતે આસપાસના ગામડાઓ સહિત જિલ્લામાં ઠેર ઠેર થી એસટી અને ટ્રાવેલ્સ બસમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે ખાણીપીણીના ખુમચાઓ સહિત રમકડાવાળા તથા વિવિધ ચીજ વસ્તુઓના લારી ગલ્લા આ રોડ પર લાગી જતા હોય છે
પરિણામે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે ઉપરાંત અકસ્માતનો ભય પણ વાહનચાલકોને સતત સતાવી રહ્યો છે ક્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આ તમામ ગેરકાયદે દબાણ કરનારાઓને ખદેડીને વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
આવી જ રીતે શહેરના ઉત્તર પૂર્વ પ્રવેશદ્વાર ગોલ્ડન ચોકડી ખાતે પડી રહેતા શ્રમજીવીઓ સહિત રમકડા વેચનાર કાયદે દબાણ કરનારાઓને પણ ખસેડી દીધા હતા.