સુરક્ષા વ્યવસ્થા સામે તોળાતું જોખમ હોટલો, ગેસ્ટહાઉસોમાં પ્રવાસીઓની એન્ટ્રી માટેની સિસ્ટમ મોટાભાગે બંધ

સરકારની પથિક વેબસાઇટ મહિનાના અડધા દિવસો બંધ અથવા વિગતો અપલોડ જ થતી નથી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સુરક્ષા વ્યવસ્થા સામે તોળાતું જોખમ  હોટલો, ગેસ્ટહાઉસોમાં પ્રવાસીઓની એન્ટ્રી માટેની સિસ્ટમ મોટાભાગે બંધ 1 - image

વડોદરા, તા.25 સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓને ભાડે આપતી હોટલ, ગેસ્ટહાઉસે પોતાને ત્યાં રહેવા આવતા પ્રવાસીઓની એન્ટ્રી સરકારની પથિક વેબસાઇટ પર અચૂક કરવાની હોય છે પરંતુ આ વેબસાઇટ મહિનાના ૧૫થી ૨૦ દિવસ સુધી બંધ રહેતી હોવાથી રિયલ ટાઇમે પ્રવાસીઓની એન્ટ્રી થઇ શકતી નથી. સુરક્ષા માટે તેનો અમલ કરાવવામાં આવ્યો હતો પરંતુ વેબસાઇટના ઠેકાણા નહી રહેતાં તેનો ખરો અર્થ સાર્થક થતો નથી.

ઉલ્લેખનીય છે કે બુધવારે પ્રધાનમંત્રી રાજ્યની મુલાકાતે આવવાના છે તેમજ ગણેશ વિસર્જન અને ઇદનો તહેવાર હોવાથી સુરક્ષા વ્યવસ્થા આવા સમયે મહત્વની બની રહે છે. પોલીસતંત્ર દ્વારા ઠેરઠેર હોટલ, ધાબાઓનું ચેકિંગ હાથ ધરી પથિક વેબસાઇટમાં પ્રવાસીઓની એન્ટ્રી કરી છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ આવા સમયે જ હોટલ અથવા ગેસ્ટહાઉસના માલિકોની ફરિયાદો મળે છે કે અમે તો એન્ટ્રી કરવા તૈયાર છે પરંતુ પથિક વેબસાઇટ જ મોટાભાગે બંધ હોય છે જેથી જ્યારે વેબસાઇટ ઓપન થાય ત્યારે પ્રવાસીઓની એકસાથે એન્ટ્રી કરી દઇએ છીએ.

રાજ્યના દરેક જિલ્લામાં પોલીસની એજન્સીઓ દ્વારા પથિક વેબસાઇટ પર ચેકિંગ કરી તેનો અમલ કરવામાં આવતો હોય છે પરંતુ ખરા સમયે જ એન્ટ્રી નહી થતાં પ્રવાસીની રિયલ ટાઇમ જાણકારી મળી શકતી નથી. હોટલ માલિકો અથવા ગેસ્ટહાઉસના માલિકોની ફરિયાદો રહે છે કે મોટાભાગે પથિક વેબસાઇટ બંધ રહે છે અથવા જ્યારે એન્ટ્રી કરવા જઇએ તો વિગતો અપલોડ થતી નથી. રાજ્યના પોલીસતંત્ર દ્વારા જે હેતું માટે પથિક વેબસાઇટ શરૃ કરવામાં આવી છે તે હેતું સાર્થક જ થતો નથી.

રાજ્યના મહાનગરો, શહેરો, નગરો અથવા હાઇવે તેમજ પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં હોટલો તેમજ ગેસ્ટહાઉસો આવેલા છે. આ તમામ સ્થળોએ પ્રવાસીઓની એન્ટ્રી પથિક વેબસાઇટ પર અપલોડ કરવા માટેનું જાહેરનામું પોલીસ કમિશનર અથવા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતું  હોય છે. આ જાહેરનામા મુજબ તેનો અમલ કરવા  હોટલ અથવા ગેસ્ટહાઉસના માલિકો આગળ વધે તો સરકારી સિસ્ટમ જ તેને રોકી લે છે.




Google NewsGoogle News