યુનિ.ના ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ વિકસાવેલી દવાને પેટન્ટ એનાયત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ સ્નાયુઓ જકડાઈ જવાની બીમારી(સેરેબ્રલ પાલસી)માટે વિકસાવેલી દવાને ભારત સરકારે પેટન્ટ એનાયત કરી છે.
ફેકલ્ટીના અધ્યાપક ડો.હેતલ ઠક્કરના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટુડન્ટસ ડો.ચિંતન પટેલ તેમજ સુગાતા પ્રમાણિકે આ દવા માટે ૨૦૧૫માં સંશોધન હાથ ધર્યુ હતુ અને તેમણે ૨૦૧૭માં પેટન્ટ મેળવવા માટે અરજી કરી હતી.અલગ અલગ પ્રકારના તબક્કાઓમાં થયેલી ચકાસણી અને ઈન્ટરવ્યૂ બાદ હવે પેટન્ટ ઓફિસે તેમને પેટન્ટ એનાયત કરી છે.
ડો.હેતલ ઠકકરનુ કહેવુ છે કે, બજારમાં અત્યારે સ્નાયુઓ જકડાઈ જવાની બીમારી માટે ટિઝાનિડિન હાઈડ્રોક્લોરાઈડનો ઉપયોગ કરીને બનાવેલી દવાઓ તો પહેલેથી ઉપલબ્ધ છે જ.આ દવાઓ ટેબલેટ સ્વરુપે જ મળે છે.જોકે દર્દીએ આ દવાના દિવસમાં ચાર થી પાંચ ડોઝ લેવા પડે છે.
તેમના જણાવ્યા અનુસાર ફેકલ્ટીમાં અમે જે દવા વિકસાવી છે તેનો દિવસમાં એક જ ડોઝ દર્દીને રાહત આપે છે.અમે આ દવા ટેબલેટ સ્વરુપે જ બનાવી છે.ટેબલેટ પર વિશેષ પ્રકારનુ કોટિંગ કરવામાં આવ્યુ છે.એક વખત દર્દી આ ટેબલેટ લે તે પછી તે લોહીમાં સારી રીતે અને ધીમે ધીમે ભળે છે.એટલે તેના વધારે ડોઝ લેવાની જરુર પડતી નથી.
ં