હોમસાયન્સ ફેકલ્ટીના ના સંશોધકોની ટેબલ-ખુરશીની ડિઝાઈનને પેટન્ટ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના ઉપક્રમે ચાલતા ઈન્ટરિયર ડિઝાઈન કોર્સની વિદ્યાર્થિનીએ પ્રેક્ટિકલ દરમિયાન વિદ્યાર્થીઓને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને બનાવેલા એડજસ્ટેબલ ખુરશી ટેબલની ડિઝાઈનને ભારત સરકારના પેટન્ટ વિભાગે પેટન્ટ આપી છે.
વિદ્યાર્થિની શ્રુતિ ચૌધરીએ પોતાના ત્રણ અધ્યાપકો ડો.સરજૂ પટેલ , રુતુ મોદી અને રાખી દાસગુપ્તાના માર્ગદર્શન હેઠળ આ ખુરશી અને ટેબલ ડિઝાઈન કર્યા છે.અધ્યાપક ડો.સરજૂ પટેલનુ કહેવુ છે કે, સામાન્ય રીતે પ્રેક્ટિકલના વર્ગો દરમિયાન વિદ્યાર્થીઓને કલાકો સુધી બેસી રહેવુ પડતુ હોય છે.ઘણા પ્રેક્ટિકલ વર્ગોમાં અને લેબોરેટરીમાં બેસવા માટે ખુરશીની જગ્યાએ નાના ટેબલ અપાય છે અને તેમાં બેક રેસ્ટ પણ હોતી નથી.આ પ્રકારના ખુરશી ટેબલથી વિદ્યાર્થીઓ કમરના દુખાવાની અને લાંબો સમય બેસવામાં અસહજતા અનુભવતા હોવાની ફરિયાદો પણ કરતા હોય છે.જેમાંથી વિદ્યાર્થિની શ્રુતિ ચૌધરીને એડજસ્ટેબલ ખુરશી ટેબલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તેમના કહેવા પ્રમાણે આ ખુરશી ટેબલની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે, વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સમયે યોગ્ય રીતે બેસી શકે.જેમાં હાઈટ અને એન્ગલને એડજસ્ટ કરવાનો વિલ્પ પણ આપવામાં આવ્યો છે. અર્ગોનોમિક ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને ખુરશીને બેક સપોર્ટ આપવામાં આવ્યો છે અને તેમાં ગાદી પણ રાખવામાં આવી છે.
આ ખુરશી ટેબલની ડિઝાઈન યુનિક હોવાના કારણે વિદ્યાર્થિની તેમજ અધ્યાપકોએ તેની પેટન્ટ મેળવવા માટે અરજી કરી હતી અને ભારત સરકારની પેટન્ટ ઓફિસે આ અરજી મંજૂર રાખી છે.