ટ્રેનમાં વૃધ્ધ દંપતી ઊંઘી ગયુ અને દાગીના મૂકેલ પર્સ ગાયબ
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં ચડતા એરફોર્સ જવાનના મોબાઈલ અને પર્સની ચોરી
વડોદરા, તા.19 ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓનો સામાન ઉઠાવી જનાર ટોળકી સક્રિય બની છે વડોદરા પાસે ટ્રેનમાંથી બે પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી થઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ ખાતે ગોસ્વામી રેસિડેન્સીમાં રહેતા રતનલાલ દ્વારકાપ્રસાદ જહાંગીર કલ્યાણ રેલ્વે સ્ટેશનથી જયપુર તરફ જતી પુના જયપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પત્ની સાથે જયપુર જતા હતા. રાત્રિ મુસાફરી હોવાથી પતિ અને પત્ની બંને પોતાની સીટ પર ઊંઘી ગયા હતા ત્યારે વડોદરાથી ૧૫ મિનિટ પહેલા કોઈ ગઠિયો રતનલાલના પત્નીનું હેન્ડપર્સ ઉઠાવી ગયો હતો આ પર્સમાં સોનાના દાગીના તેમજ રોકડ રૃા.૨૦૦૦૦ મળી કુલ રૃા.૫૦૭૦૦ ની મત્તા હતી.
ચોરીના અન્ય બનાવમાં વડોદરામાં દરજીપુરા એરપોર્ટ એરફોર્સ ખાતે રહેતા અને એરફોર્સમાં નોકરી કરતા ગૌરવ હરીકિશન લબાનીયા ભરતપુર જવા માટે વડોદરા રેલ્વે સ્ટેશન પર આવ્યા હતાં. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન રેલવે પ્લેટફોર્મ પર આવતા તેઓ ટ્રેનમાં ચડતા હતા ત્યારે કોઈ ગઠિયો મોબાઇલ ફોન અને પેન્ટમાંથી મની પર્સ કાઢી ગયો હતો. એસી કોચમાં ચડયા બાદ તેમને પોતાનો કિંમતી સામાન ચોરી થયો હોવાની જાણ થઈ હતી જે અંગે રેલવે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે