ફ્લાઈટો કેન્સલ થતી હોવાથી કનેક્ટિંગ ફ્લાઈટ લેનારા મુસાફરોની હાલત કફોડી
વડોદરાઃ ખરાબ હવામાનના કારણે વડોદરાથી જતી અને વડોદરા આવતી ફ્લાઈટો રદ થઈ રહી છે અને તેના કારણે મુસાફરોને કયા પ્રકારની હેરાનગતિ વેઠવાનો વારો આવી રહ્યો છે તેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કેનેડાના કિચનર શહેરમાં રહેતી અને ૨૦ દિવસ માટે વડોદરા આવવા નીકળેલી યુવતી નુપૂર સિસોદીયાને ટોરોન્ટોથી મુંબઈ સુધી લુફ્થાન્ઝા એરવેઝની ફ્લાઈટ થકી ૧૬ નવેમ્બરે રાત્રે ૧૧-૩૦ વાગ્યે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી અને સવારે ૫-૨૦ વાગ્યાની ઈન્ડિગોની કનેક્ટિંગ ફ્લાઈટ તેને લેવાની હતી.તેણે બોર્ડિંગ પાસ લઈ લીધો એ પછી એરલાઈન તરફથી ફ્લાઈટ કેન્સલ થઈ હોવાનો સંદેશો મળ્યો હતો.
નુપૂર કહે છે કે, મેં ગ્રાઉન્ડ સ્ટાફને કારણ પૂછ્યુ તો ખરાબ હવામાન હોવાનો જવાબ આપ્યો હતો.જ્યારે એર ઈન્ડિયા અને વિસ્તારાની ફ્લાઈટ ઓપરેટ થઈ રહી હતી.ગ્રાઉન્ડ સ્ટાફે બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોવાની પણ ના પાડી હતી.મારી સાથે બીજા પણ મુસાફરો હતા જેમને ગુજરાતના વિવિધ શહેરોમાં જવાનુ હતુ.એ પછી મુંબઈથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ટિકિટ છેલ્લી ઘડીએ લેવા પ્રયાસ કર્યો હતો પણ ટિકિટનો ભાવ ૫૩૦૦૦ રુપિયા બતાવતો હોવાથી આ વિચાર માંડી વાળ્યો હતો.
આ યુવતી કહે છે કે, મેં અને અન્ય એક યુવતીએ એરપોર્ટની બહારથી વડોદરા સુધી ટેકસી ભાડે કરીને પહોંચવા માટે પૂછપરછ કરી હતી પણ ફ્લાઈટની અનિયમિતતાના કારણે હવે ટેક્સીના ભાડા પણ વધી ગયા છે.ટેક્સી ચાલકે અમને ૧૩૦૦૦ રુપિયા ભાડુ કહ્યુ હતુ અને નાછૂટકે આટલી રકમ આપીને અમે આજે વડોદરા પહોંચ્યા હતા.