વડોદરામાં પર્યૂષણ પર્વની પૂર્ણાહુતિ, ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ
ગણેશ પાંડાલોમાં પર્યાવરણ, રાજકારણ અને સામાજિક થીમ પર આકર્ષક ડેકોરેશન નિહાળવા માટે પ્રથમ દિવસે જ ભક્તોની ભીડ જામી
રાજસ્તંભ યુવક મંડળના ગણેશજી કે જેમાં પર્યાવરણના મહત્વનો સંદેશો આપવામાં આવ્યો છે |
વડોદરા : શહેરના ૩૭ જૈન સંઘોમાં આજે બારસાસૂત્રના વાંચન સાથે પર્યૂષણ પર્વની પૂર્ણાહુતિ થઇ હતી તો બીજી તરફ આજે શહેરમાં ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો હતો. ૧૦ દિવસ માટે શહેરના અતિથિ બનેલા વિઘ્નહર્તા ગજાનન ગણેશજીના આતિથ્ય માટે સાર્વજનિક ગણેશ મંડળોએ અનેકવિધ આયોજનો કર્યા છે.
![]() |
વડોદરાના કોઠીપોળ જૈન સંઘમાં સંવત્સરી પ્રતિક્રમણનું દ્શ્ય |
જૈન સંઘોમાં આજે સંવત્સરીની ઉજવણી થઇ હતી. સંઘોમાં બિરાજમાન આચાર્ય અને સાધુ સાધ્વીજી ભગવંતોએ બારસાસૂત્રનું વાંચન કર્યુ હતુ તો આજે તપસ્વિઓના સન્માનના કાર્યક્રમો પણ યોજાયા હતા. સાંજે સંઘોમાં એકઠા થયેલા જૈનોએ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં પ્રતિક્રમણ કર્યુ હતુ જે બાદ એકબીજાને મિચ્છા મિ દુક્કડમ કહીને ક્ષમા યાચના કરી હતી. તો આજથી ગણેશોત્સવનો પણ પ્રારંભ થયો છે. વડોદરામા નાના મોટા મંડળો મળીને ૧૫,૦૦૦થી વધુ સ્થળોએ ગણપતિજીની સ્થાપના થઇ છે. કોરોનાકાળના બે વર્ષ પ્રતિબંધોમાં ગયા હોવાથી આ વર્ષે ગણેશોત્સવમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યુવક મંડળો દ્વારા પણ ગણેશ પંડાલોમાં પર્યાવરણ, રાજકારણ અને સામજિક થીમ પર આકર્ષક ડેકોરેશન જોવા મળી રહ્યા છે. આજે ગણેશોત્સવના પ્રારંભ સાથે પ્રથમ દિવસે જ બાપ્પાના દર્શન કરવા અને પાંડાલોમાં ડેકોરેશન જોવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.