વડોદરાના બિલ્ડર સાથે લાખોની છેતરપિંડી : કોરોનાનો લાભ ઉઠાવી ભાગીદારોએ બોગસ સહી કરી બેંકમાંથી 17.30 લાખ ઉપાડી ઠગાઈ
image : Freepik
- મટીરીયલના સપ્લાયર ઉઘરાણી માટે આવતા છેતરપિંડીનો પર્દાફાશ :ચાર ભેજાબાજો સામે ગુનો
વડોદરા,તા.1 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા બિલ્ડર સાથે તેના ભાગીદારોએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેને બેંકમાં રજૂ કરી 17.30 લાખ રૂપિયા બારોબાર ભાગીદારી પેઢીના બેંક ખાતામાંથી પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કરી દેતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં પાણીની ટાંકી સામે અલકા સોસાયટી ખાતેના સૂર્યકિરણ ફ્લેટ્સમાં રહેતા જયદેવ છગનભાઈ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું 15 વર્ષથી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું. સેવાસી ગામની સીમમાં એક રહેણાંક સ્કીમ માટે મૂળ માલિકો પાસેથી રૂ.35,069 ચોરસ ફૂટ જમીન ખરીદી હતી. આ જમીનમાં બાંધકામ કરવા શ્રીજી ઇન્ક નામની ભાગીદારી પેઢી ડિસેમ્બર 2019થી નોંધવામાં આવી હતી. જેમાં અમે સાત ભાગીદારો હતા અને આ પેઢીના નાણાકીય વ્યવહારો હું તેમજ બીજા ભાગીદાર રાહુલ માલાણીની સહીથી ઓપરેટ થઈ શકે તેવું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભાયલી શાખામાં ખાતું ખોલાવ્યું હતું. બાદમાં વિવિધ સરકારી કચેરીઓમાંથી જરૂરી પરવાનગીઓ મેળવીને શ્રી ફોર નામની સ્કીમ ઉભી કરી હતી. 11 મહિના પછી નવેમ્બર 2020 માં મને તેમજ મારા આખા પરિવારને કોરોના થયો હતો તેમજ કૌટુંબિક કારણોસર અવારનવાર હૈદરાબાદ જવાનું થતું હતું જેથી લાંબા સમય સુધી ભાગીદારી પેઢી પર ધ્યાન અપાતું ન હતું. માર્ચ 2022 માં એક સપ્લાયર મારી પાસે ઉઘરાણી માટે આવ્યા બાદ મેં બેંકમાં તપાસ કરી ત્યારે જાણ થઈ કે પેઢીના ખાતામાં બેલેન્સ ન હતું બેંકમાંથી મારી સહી વગર પૈસા ઉપડી ના શકે તેવું હોવા છતાં ઓનલાઇન નાણા ઉપડી ગયા હતા.
બાદમાં અમે બેંકમાં વધુ તપાસ કરી તો મારી તેમજ બીજા બે ભાગીદારો સુનિલ જમનાદાસ સોની અને સ્મિત છગનલાલ આરદેરાણાની જાણ બહાર અન્ય ચાર ભાગીદારોએ શ્રી ફોર કંપનીનો ખોટો લેટરપેડ બનાવી તેને એસબીઆઇમાં રજુ કરી અન્ય ભાગીદાર સુભાષ ગોરધન કાનાનીનું નામ ઉમેર્યું હતું. બાદમાં તમામ ભાગીદારોએ મારી ખોટી સહિ કરી પોતાના અંગત ખાતામાં કુલ 17.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા ઉપરોક્ત વિગતો અંગે ભાગીદારે રાહુલ બાબુભાઈ માલાણી (રહે. રોઝડેલ એન્કલેવ સેવાસી), કેતન વિઠ્ઠલ બરવાળીયા (રહે. રોઝડેલ એન્કલેવ સેવાસી), સુભાષ ગોરધન કાનાની (રહે.આંગણ રેસીડેન્સી, નિકોલ, અમદાવાદ) અને સ્મિત મનસુખ સરધારા (રહે. શ્રીધર બંગલોઝ, નિકોલ, અમદાવાદ) સામે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.