નવાપુરામા એક મકાનનો કેટલોક ભાગ તુટ્યો: અનેક મકાનો જર્જરીત: ગમે ત્યારે મોટી હોનારતની શક્યતા
ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં જર્જરીત મકાનો ઉતારી લેવાની કાર્યવાહી સત્વરે થાય એવી લોક માંગ છે.
શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં કેટલાય મકાનો જર્જરીત અવસ્થામાં છે. આવા જર્જરિત મકાનો તંત્રની જાણમાં આવતા જ પાલિકા સત્તાધીશો અને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસો પાઠવવામાં આવે છે અને વહેલી તકે આવા જર્જરિત મકાનો સ્વખર્ચે ઉતારી લેવા જણાવાય છે.
દરમિયાન નવાપુરા વિસ્તારમાં આવેલ તીન મૂર્તિ કોમ્પ્લેક્સ ના અનેક મકાનો જર્જરીત અવસ્થામાં છે. ત્રણ ટાવરમાં પોતપોતાના મકાનમાં અનેક પરિવારો જીવના જોખમે રહે છે. આ તમામ ટાવરના મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. વર્ષો અગાઉ અટલાદરા વિસ્તારમાં માધવ નગરની સર્જાયેલી હોનારત જેવી જ દુર્ઘટના સર્જવાની શક્યતા છે.
તીન મૂર્તિ સોસાયટીના મકાનનો કેટલોક ભાગ તાજેતરમાં ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જોકે આ દુર્ઘટના સર્જાતા કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. જોકે આ દુર્ઘટના સર્જાતા જ પાલિકા નું ફાયર બ્રિગેડ તંત્ર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ તમામ મકાનોને નોટિસો આપવા છતાં અને હવે જ્યારે ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે આવી જર્જરીત ઇમારતો શહેરમાં ઠેર ઠેર આવેલી છે ત્યારે વરસાદની સિઝનમાં તૂટી પડે નહીં એવા ઇરાદે પાલિકા તંત્ર એ વહેલી તકે આવા મકાનો ઉતારી લેવા લોકમાંગ છે.