લાડવાડામાં ગોઝારાે બનાવઃજર્જરિત હવેલીનો ભાગ બાજુના મકાન પર પડતાં આધેડનું મોત
વડોદરાઃ વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો જોખમી હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી.જેને કારણે આજે લાડવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન બાજુના મકાન પર પડતાં તેમાં હાજર આધેડનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો.
લાડવાડા વિસ્તારમાં સિંગલ માળના મકાનમાં રહેતા ગૌતમભાઇ ભટ્ટ આજે ભરૃચ ખાતે કુટુંબીજનને મળવા માટે ગયા હોવાથી વહેલા ઘેર આવ્યા હતા.તેમની સાઇકલ મકાનની બહાર હતી અને સામે રહેતા બા ને મળીને તેઓ અંદર ગયા હતા.
ત્યારબાદ થોડી જ વારમાં બાજુના ત્રણ માળના રતનજીનીહવેલી તરીકે ઓળખાતા જર્જરિત મકાનની દીવાલ ગૌતમ ભાઇના મકાન પર ધડાકા ભેર પડતાં તેમનું મકાન પણ તૂટયું હતું.સ્થાનિક રહીશોના કહ્યા મુજબ,ગૌતમભાઇને ઘરમાં જતા જોયા હોવાથી ફાયર બ્રિગેડને તેમને બહાર કાઢવા કહ્યું હતું.ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તેમને બહાર કાઢતાં મોંઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ગૌતમભાઇ રોજ રાતે 10 પછી આવતા હતા,શુક્રવારે વહેલા આવ્યા અને દબાયા
લાડવાડાના મકાનમાં રહેતા ગૌતમભાઇ ભટ્ટ સાથે તેમના માતા પણ રહેતા હતા.પરંતુ તેઓ થોડા દિવસોથી કુટુંબીજનને ત્યાં રહેવા જતાં તેમનો બચાવ થયો હતો.
સ્થાનિક રહીશો કહ્યું હતું કે,ગૌતમભાઇ ફેરી કરે છે અને સામાન્ય રીતે રાતે ૧૦ પછી આવતા હોય છે.પરંતુ આજે તેઓ ભરૃચ કુટુંબીજનને ત્યાં ગયા હોવાથી વહેલા આવી ગયા હતા.
ગૌતમભાઇને પાડોશીએ અંદર જતા જોયા હતા અને તેમની સાઇકલ પણ બહાર પડી હોવાથી તેઓ અંદર હોવાની શંકા પ્રબળ બની હતી.જેથી ફાયર બ્રિગેડને તાકિદે તેમનું રેસ્ક્યૂ કરવા માટે જાણ કરાતાં તેમણે ગૌતમ ભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.બનાવને પગલે સચિન પાટડિયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.