વારસિયામાં ખાનગી પ્લોટ પર લક્ઝરી બસોના પાર્કિંગને કારણે ગંદકીના ઢગલા: દેખાવો યોજી વિરોધ દર્શાવ્યો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
વારસિયામાં ખાનગી પ્લોટ પર લક્ઝરી બસોના પાર્કિંગને કારણે ગંદકીના ઢગલા: દેખાવો યોજી વિરોધ દર્શાવ્યો 1 - image


Image: Freepik

વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં ખાનગી પ્લોટ પર ખાનગી લકઝરી બસોનો અડિંગો તેમજ અસહ્ય ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો છેલ્લા ઘણા વર્ષોથી મુશ્કેલીમાં મૂકાયા છે.

કોર્પોરેટર, વોર્ડ અધિકારી સહિત ધારાસભ્ય દ્વારા પણ કોઈ ઉકેલ નહિ આવતા વારસિયા રિંગ રોડ પર આવેલી આશીર્વાદ પાર્ક સહિતના સોસાયટીના લોકોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર કલાવતી હોસ્પિટલની સામે આવેલ આશીર્વાદ પાર્ક 17 તાલુકા શાહીબાગ દયાનગર સહિતની સોસાયટીના રહીશો તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયા છે. અહીં ખાનગી પ્લોટ આવેલો છે જેમાં ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસો નો જમાવડો થાય છે. કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ડમ્પીંગ કરવામાં આવી રહ્યું છે.જેના કારણે રોડ લેવલથી આ ખાનગી પ્લોટનું લેવલ પાંચ ફૂટ વધી ગયું છે.અસહ્ય ગંદકી તેમજ મચ્છરોના ઉપદ્રવથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિકોના કહ્યા મુજબ સમસ્યાના નિરાકરણ માટે વોર્ડ 6 ના કાઉન્સિલરો, વોર્ડ અધિકારી તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. પરંતુ તેઓનું એવું કહેવું છે કે, આ ખાનગી પ્લોટ હોવાથી અમે આમાં કંઈ કરી શકીએ નહીં. ત્યારે રહીશોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આટલી ગંદકીમાં અમે હેરાન થઈ ગયા છે. અમે આ સમસ્યાથી પીડિત છે. જ્યારે વોટ લેવાના હોય ત્યારે આ લોકો બધા ઘરે ઘરે આવે છે, ફેરણીઓ કરે છે, મીટીંગો કરે છે, ફોટા પડાવે છે. પરંતુ ત્યારબાદ કોઈ આવી સમસ્યા હોય ત્યારે જોવા આવતું નથી અને અમારા ફોન પણ ઉપાડતા નથી, તો અમારે, હવે આની માટે કોની પાસે જવું. અમારી એક જ માંગણી છે કે, જે પણ આનો માલિક હોય એને નોટીસ આપવામાં આવે આ ડમ્પીંગ અહીંથી હટાવવામાં આવે અને ફેન્સીંગ કરી ચોખ્ખાઈ કરવામાં આવે.


Google NewsGoogle News