14 નિર્દોષોનો ભોગ લેનાર બોટ દુર્ઘટનાના સૂત્રધાર પરેશ શાહે તળાવ પુરી રેસ્ટાેરાં અને હોલ બનાવી દીધા
મુખ્ય વહીવટદાર તરીકે પરેશ શાહ હોવા છતાં રેકોર્ડ પર ક્યાંય તેનું નામ નથી
વડોદરાઃ હરણી લેકઝોનની કરૃણાંતિકામાં ફરાર થઇ ગયેલા મુખ્ય સૂત્રધાર પરેશ શાહ મુખ્ય વહીવટદાર હોવા છતાં રેકોર્ડ પર ક્યાંય તેનું નામ નહિં હોવાથી પોલીસ તેની સંડોવણીના પુરાવા એકત્રિત કરી રહી છે.
હરણી લેકઝોનનો વાર્ષિક રૃ.૩ લાખમાં ૩૦ વર્ષ માટે મે.કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપી દેનાર કોર્પોરેશને ત્યારબાદ કોઇ જ દરકાર લીધી નહતી.જેને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બનીને વહીવટ કરતા હતા અને વધારે સંખ્યામાં રોકાણકારોને સામેલ કરી ભાગીદારોની સંખ્યા ૧૫ કરી દીધી હતી.
હરણી લેકઝોનના કોન્ટ્રાક્ટમાં ભાજપના આગેવાનો સાથે સાંઠગાંઠ ધરાવનાર અને હરણીના મેયર તરીકે ઓળખાતા પરેશ શાહ કર્તાહર્તા હોવા છતાં રેકોર્ડ પર તેનું ક્યાંય નામ દેખાયું નથી.પરેશ શાહના ઇશારે હરણી તળાવની જ જગ્યા પર પુરાણ કરીને એક હોલ અને રેસ્ટોરાં ઉભા કરી દેવામાં આવ્યા હતા.
પરેશ શાહ માટે પુરાવા મેળવવા માટે પોલીસે તળાવનો વહીવટ કરતા કર્મચારીઓના મોબાઇલની ચેટ મેળવી છે.જેમાં પરેશ શાહ સાથે રોજેરોજનો હિસાબ અને રિપોર્ટિંગ કરવામાં આવતા હોવાનું જણાઇ આવ્યું છે.પરેશ શાહ પકડાય તો તેના ગોડફાધરો સાથેની સાંઠગાંઠ પણ ખૂલે તેમ લાગી રહ્યું છે.
પરેશ શાહે કથા માટે પણ ઉઘરાણું કર્યું હતું,પોતે જ યશ ખાટયો હતો
પરેશ શાહના નાણાંકીય વ્યવહારો અને કોલ્સ ડીટેલ ઘણા રાઝ ખોલશે
કારેલીબાગની કથાના આયોજનમાં અગ્રેસર રહેલા પરેશ શાહે કથાના નામે પણ ઉઘરાણું કર્યું હોવાની વિગતો ચર્ચામાં આવી છે.
તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના આયોજનમાં પરેશ શાહ સક્રિય હતો અને તેણે કેટલાક લોકો પાસે સેવાના નામે રૃપિયા પણ ઉઘરાવ્યા હોવાની માહિતી જાણવા મળી છે.
નોંધપાત્ર બાબત એ છે કે,ઉઘરાણું કર્યા પછી પણ પરેશ શાહે યશ પોતે જ લેવાનો પ્રયાસ કર્યો હતો.લોકો એમ પણ કહી રહ્યા છે કે જો પરેશ શાહના નાણાંકીય વ્યવહારો અને કોલ્સ ડીટેલની કોઇ પણ શેહશરમ વગર તપાસ કરવામાં આવશે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
લેકઝોનના સંચાલકોએ છ વર્ષ પહેલાં પૂણેની કંપની પાસે ૯ બોટ ખરીદી હતી
પલટી ગયેલી બોટનું પૂણેની કંપનીએ પણ ઇન્સ્પેક્શન કર્યું,FSLની તપાસ જારી
હરણી લેકઝોનના સંચાલકોએ પૂણેની કંપની પાસે ૯ બોટ ખરીદી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવતાં પોલીસે પૂણેની કંપનીના સંચાલકની પૂછપરછ કરી હતી.
હરણી લેકઝોનમાં બોટ પલટી જવાના બનેલા બનાવમાં સિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે લેકઝોનની તમામ બોટોનું નિરિક્ષણ કર્યંુ હતું અને ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લીધી છે.ફોરેન્સિકની ટીમે આજે પણ બોટનું નિરિક્ષણ કરી કેટલીક ચીજો તપાસી હતી.ટૂંક સમયમાં તેનો રિપોર્ટ તપાસ અધિકારીને સુપરત કરવામાં આવનાર છે.
પોલીસની તપાસમાં લેકઝોનના કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના સંચાલકો દ્વારા વર્ષ-૨૦૧૮માં ૯ બોટોની ખરીદી કરવામાં આવી હોવાની માહિતી બહાર આવી છે.જેથી પૂણેની શનિ બોટ કંપનીના સંચાલકની પોલીસે પૂછપરછ કરી હતી.
બોટ કંપની ના સંચાલકે પણ પલટી ગયેલી બોટનું નિરિક્ષણ કર્યું હતું અને તેની પ્રાથમિક તપાસમાં બોટ જ્યારે ખરીદી ત્યારબાદ તેમાં કોઇ ફેરફાર નહિં કરાયો હોવાનું જણાઇ આવ્યું હતું.