ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા નારાયણ સ્કૂલમાં વાલીઓનો હોબાળો, કેટલાકે એલસી માંગ્યું
Vadodara News : વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પરની શ્રી નારાયણ સ્કૂલની દીવાલ એક મહિના પહેલા ધરાશાયી થઈ હતી અને એ પછી સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતુ.
છેલ્લા એક મહિનાથી સ્કૂલના 2000 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આજે વાલીઓએ સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો હતો.
વાલીઓનું કહેવું હતું કે, ઓનલાઈન શિક્ષણ તો ચાલુ છે પણ ઘરે બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોઈએ તેવું ધ્યાન આપી રહ્યાં નથી. વિદ્યાર્થીઓ ભણવાની જગ્યાએ ઓનલાઈન ગેમ રમ્યા કરતા હોય છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે તે જરૂરી છે. આ મુદ્દે અમે રજૂઆતો પણ કરી છે. જોકે ટ્રસ્ટીઓથી માંડીને શાળાના શિક્ષકો અને આચાર્ય પણ આ મુદ્દે વાત કરવા માટે તૈયાર નથી.
કેટલાક વાલીઓએ કહ્યું હતું કે, અમે તો હવે અન્ય સ્કૂલમાં અમારા બાળકોને મૂકવા માંગીએ છે પણ સ્કૂલ દ્વારા અમને એલસી પણ મળતું નથી. સ્કૂલ સંચાલકો કહે છે કે, સ્કૂલનું બિલ્ડિંગ સીલ હોવાથી અમે તમને એલસી આપી શકીએ તેમ નથી. આ મુદ્દે અમે ડીઈઓ સમક્ષ પણ રજૂઆત કરેલી છે. જોકે ડીઈઓ પણ એલસીના હોય ત્યાં સુધી બીજી સ્કૂલમાં પ્રવેશ ના મળી શકે તેમ કહી રહ્યા છે.
જ્યારે ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યું હતું કે, સ્કૂલને અમે નોટિસ આપેલી છે અને તેમણે અમારી પાસે સમય માગ્યો હતો. જોકે શાળા સંચાલકો વાલીઓને એલસી આપવા માટે બંધાયેલા છે. વાલીઓ તરફથી અમને હજી સુધી લેખિત ફરિયાદ નથી મળી. વાલીઓ અમને ફરિયાદ કરશે તો અમે તેમને બીજી સ્કૂલમાં પ્રવેશ મળે તે માટે પ્રયાસ કરીશું. વાલીઓને તકલીફ હોય તો ડીઈઓ કચેરીનો સંપર્ક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા નારાયણ સ્કૂલની દીવાલનો એક હિસ્સો ધરાશાયી થયો હતો અને તેના કારણે પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ભાજપના કોર્પોરેટર નૈતિક શાહના પિતા દક્ષેશ શાહ તેમજ શાળા સંચાલક મંડળના વડોદરાના પ્રમુખ આર.સી.પટેલ આ સ્કૂલના ટ્રસ્ટી છે.