ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષકો પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી આપે છે
વડોદરાઃ હાલમાં વડોદરાની સ્કૂલોમાં ધો.૧ થી ૧૧ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં આપવા દેવાના હથિયારનો ઉપયોગ કેટલાક શાળા સંચાલકો કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.તરસાલી બાયપાસ વિસ્તારમાં હાઈવેને અડીને આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે આ જ પ્રકારના આક્ષેપો કર્યા હતા.
વાલીઓનુ કહેવુ હતુ કે, શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી રહી છે કે, જો ફી નહીં ભરવામાં આવે તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.એક વાલીએ કહ્યુ હતુ કે, જો ફી ભરવામાં થોડુ પણ મોડુ થાય તો પેનલ્ટી લગાવવામાં આવે છે અને જો બાકી ફી ભરવા તૈયાર વાલી પેનલ્ટીનો વિરોધ કરે તો પણ તેના બાળકને પરીક્ષામાં નહીં આપવા દેવાની ધમકી અપાય છે.
એક વાલીએ રડતા રડતા કહ્યુ હતુ કે, હું ત્રણ દિવસથી ફી ભરવા આવુ છું તો મારી પાસે પેનલ્ટી માંગવામાં આવે છે.સ્કૂલના શિક્ષક કહે છે કે પેનલ્ટી નહીં ભરવામાં આવે તો પરીક્ષાનો સીટ નંબર નહીં મળે.મારા બાળકને ફી નહીં ભરી હોવાથી ક્લાસમાં વારંવાર ઉભો કરવામાં આવે છે.
વાલીઓએ આ મુદ્દે સ્કૂલના આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી અને સ્કૂલના સત્તાધીશોએ વાલીઓને આશ્વાસન આપતા કહ્યુ હતુ કે, બાળકોને પરીક્ષા નહીં આપવાની ધમકીના આક્ષેપોની તપાસ થશે, આવા શિક્ષકો સામે કાર્યવાહી પણ થશે અને વાલીઓ પાસેથી જો મોડી ફી બદલ પેનલ્ટી લેવાઈ હશે તો તે પણ પાછી આપવામાં આવશે.