કોમર્સમાં પ્રવેશથી વંચિત સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓના દેખાવો, ડીનને ધક્કે ચઢાવ્યા

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
કોમર્સમાં પ્રવેશથી વંચિત  સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓના દેખાવો, ડીનને ધક્કે ચઢાવ્યા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની પહેલી પ્રવેશ યાદી બહાર પડી ગઈ છે.જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનો જનરલ કેટેગરીમાં ૭૫ ટકાએ પ્રવેશ અટકયો છે.જેના કારણે વડોદરા શહેર અને જિલ્લાના સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.

આજે  પ્રવેશથી વંચિત સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે ઉમટી પડયા હતા અને એનએસયુઆઈના કાર્યકરો સાથે તેમણે ફેકલ્ટી ડીનનો ઘેરાવ કર્યો હતો.એક તબક્કે ડીનને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા .વાલીઓએ કહ્યુ હતુ કે, અમે વડોદરામાં રહીએ છે તો આટલી મોટી યુનિવર્સિટીમાં અમારા સંતાનોને પ્રવેશ આપવામાં આવે.વાલીઓનો એક જ સૂર હતો કે, અમે વડોદરામાં રહીએ છે તો અમને તો પ્રવેશ મળવો જ જોઈએ. ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે વાલીઓના રોષના પગલે ભારે હંગામો સર્જાયો હતો .વાલીઓ અને વિદ્યાર્થીઓએ વીસીની દલાલી બંધ કરો અને ભ્રષ્ટાચાર બંધ કરો...ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

યુનિવર્સિટીમાં વિરોધ ઉગ્ર બનતા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને એ પછી એનએસયુઆઈના શહેર પ્રમુખ અમર વાઘેલા સહિત ચાર કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ વર્ષે જ્યારે ધો.૧૨નુ પરિણામ ઉંચુ આવ્યુ છે અને બીજી તરફ ૫૬૩૮ બેઠકો પૈકી વડોદરાના ૭૦ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.આ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માટે બેઠકો વધારવા માટે આંદોલન શરુ થયુ છે.

ખાનગી યુનિ.ઓને ફાયદો કરાવવા બેઠકો ઘટાડી

હતાશ વિદ્યાર્થી આપઘાત કરશે તો વીસી કે ડીન જવાબદારી લેશે?

પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ કહ્યુ હતુ કે, વડોદરાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રવેશથી વંચિત  તેવુ પહેલી વખત બન્યુ છે.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ અને કોમર્સના ડીન કેતન ઉપાધ્યાય યુનિવર્સિટીને વેચી નાંખશે.કોરોના સમયે ૧૨૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટેનો ખેલ છે.પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓમાંથી કોઈ આપઘાત કરશે તો ડીન કેતન ઉપાધ્યાય અને વીસી શ્રીવાસ્તવ જવાબદારી લેશે?અમે રજૂઆત કરવા માટે આવ્યા તો ડીન ઓફિસ છોડીને જતા રહ્યા છે , યુનિવર્સિટી અને કોમર્સ ફેકલ્ટી રામ ભરોસે ચાલી રહી છે.ફેકલ્ટી ડીન બદલવાની જરુર છે પણ વાઈસ ચાન્સેલરે કેતન ઉપાધ્યાયને ડીન તરીકે ચાલુ રાખ્યા છે.તેમણે અગાઉ રાજીનામુ આપ્યુ હતુ પણ વાઈસ ચાન્સેલરે રાજીનામુ સ્વીકાર્યુ નહોતુ.ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે ડીન અને વીસીની સાંઠગાંઠ છે.

સત્તાધીશોે પાટલીઓની ગણતરી કરીને એફવાયબીકોમની બેઠકો ઘટાડી નાંખી 

ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટી પહેલા ૮૦૦૦ જેટલા  વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ આપતી હતી પણ  યુનિવર્સિટીના સત્તાધીશોએ ગત વર્ષે અચાનક જ સારી રીતે વહિવટ થઈ શકે તેવુ કારણ આપીને એફવાયની બેઠકો ઘટાડી હતી.કોમર્સના સત્તાધીશોએ પાટલીઓની ગણતરી કરીને ન નક્કી કર્યુ હતુ કે, હવે તો ૫૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે.બેઠકો ઘટાડવા  સામે વિરોધ પણ થયો હતો.સત્તાધીશોએ આ વિરોધને ગણકાર્યો નહોતો.જોકે બેઠકો ઘટાડયા પછી પણ કોમર્સનો વહિવટ સુધર્યો નથી.ઉલટાનો વધારે ખાડે ગયો છે. લેક્ચર એટેન્ડ કરવા માટે વિદ્યાર્થીઓ હાજર રહેતા નથી અને આ સમસ્યા આજે પણ યથાવત છે.અધ્યાપકોની તો હાજરી પૂરાય છે પણ વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની કોઈ વ્યવસ્થા નથી.

અમે જનરલ કેટેગરીના છે તો ગુનો કર્યો?

એક વાલીએ કહ્યુ હતુ કે, મારા સંતાનના ૭૪ ટકા છે અને અમે જનરલ કેટેગરીના છે એટલે પ્રવેશ નથી મળી રહ્યો પણ અમે વડોદરાના રહેવાસી છે તો અમને પ્રવેશમાં સત્તાધીશોએ પ્રાથમિકતા આપવી જ પડશે.અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને તો ૪૦ ટકાએ પણ પ્રવેશ મળી રહ્યો છે તો અમે શું ગુનો કર્યો છે?અમને લાગે છે કે, ખાનગી કોલેજોને ફાયદો કરાવવાનુ કાવતરુ છે

ખાનગી કોલેજની ફી નહીં પોસાય

એક મહિલા વાલીએ કહ્યુ હતુ કે, ઘરમાં એક કમાનાર છે ચાર ખાનારા છે તો ખાનગી કોલેજની ફી કેવી રીતે પોસાશે? ૬૬ ટકા હોવા પ્રવેશ ના મળે તેવી સ્થિતિ છે.અન્ય એક મહિલાએ કહ્યુ હતુ કે મારા બે સંતાનો છે અને ખાનગી કોલેજોમાં ભણાવવા માટે વર્ષે બે બે લાખ રુપિયા ફી ક્યાંથી અમે લાવીશું, મારી એક છોકરી એમ.એસ.યુનિવર્સિટીમાં ભણી ચૂકી છે પણ આજે અમારે પહેલી વખત અહીંયા આવવુ પડયુ છે.છોકરાઓ ટેન્શનમાં છે અને તેઓ કશું પગલુ ભરશે તો તેની જવાબદારી કોણ લેશે?

વિદ્યાર્થીઓ રજૂઆત માટે પહોંચ્યા પણ  વીસી અને રજિસ્ટ્રાર ના મળ્યાં

 ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓ  અને વાલીઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.તેમનુ કહેવુ હતુ કે, અમારે તો વાઈસ ચાન્સેલર અથવા રજિસ્ટ્રારને રજૂઆત કરવી હતી પરંતુ બેમાંથી એક પણ યુનિવર્સિટી હેડ ઓફિસમાં હાજર નહીં હોવાનો જવાબ મળ્યો અને આખરે અમારે ઈન્ચાર્જ પીઆરઓ(ઓએસડી)ને રજૂઆત કરવી પડી હતી.વડોદરાના વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રવેશ મળવો જોઈએ.જ્યાં સુધી પ્રવેશ નહીં અપાય ત્યાં સુધી હેડ ઓફિસ ખાતે આંદોલન ચાલુ રહેશે.



Google NewsGoogle News