વડોદરાઃ બોર્ડ પરીક્ષા પહેલા સ્કૂલો પર બેઠક વ્યવસ્થા જોવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉમટ્યા
વડોદરા, તા. 10 માર્ચ 2024 રવિવાર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો ૧૧ માર્ચ, સોમવારથી પ્રારંભ થશે.આ પહેલા આજે વડોદરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા જોવા માટે શહેરની સ્કૂલોમાં ધસારો કર્યો હતો.
ડીઈઓ કચેરી દ્વારા બેઠક વ્યવસ્થા જોવા માટે સાંજના ૪ થી ૬નો સમય આપવામાં આવ્યો હતો.જોકે તે પહેલાથી જ ઘણી સ્કૂલો ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા જોવા માટે બપોરથી જ પહોંચી ગયા હતા અને તેના કારણે ઘણી સ્કૂલોએ સમયની મર્યાદા હટાવીને બપોરથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા જોવા માટે પોતાના સંકુલમાં એન્ટ્રી આપી હતી.
મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા જોવાનો આગ્રહ એટલા માટે રાખતા હોય છે કે, પરીક્ષાના પહેલા દિવસે સ્કૂલ શોધવામાં કે બેઠક નંબર કયા રુમમાં છે તે જાણવામાં સમય ના બગડે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ધો.૧૦ ના ચાર ઝોનના ૧૫૬ બિલ્ડિંગના ૧૬૧૮ વર્ગોમાં ૪૭૭૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો.૧૨ કોમર્સમાં બે ઝોનના ૬૬ બિલ્ડિંગના ૬૩૦ ક્લાસરુમમાં ૨૦૪૯૩ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૭૫૪૮ વિદ્યાર્થીઓ ૪૧ બિલ્ડિંગના ૩૮૭ વર્ગોમાં પરીક્ષા આપશે.૨૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા પરીક્ષા પર નજર રાખશે.
પરીક્ષા માટે ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલરુમ પણ આજથી કાર્યરત કરવામાં આવ્યો છે.પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી સવારના આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી આ કંટ્રોલરુમ ચાલુ રહેશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાની મુશ્ક્ેલી અંગે આ કંટ્રોલરુમના ૦૨૬૫ ૨૪૬૧૭૦૩ નંબર પર સંપર્ક કરી શકશે.પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓનુ દરેક પરીક્ષા કેન્દ્રો પર ગુલાબ આપીને કે ગોળધાણા ખવડાવીને કે ચોકલેટ આપીને સ્વાગત કરવાની સૂચના પણ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને અપાઈ છે.