પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ, અયોધ્યાવાળી કરવાની ચીમકી

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ, અયોધ્યાવાળી કરવાની ચીમકી 1 - image


Vadodara M S University : ભાજપ સરકારે આપેલી ખુલ્લી છુટના કારણે બેફામ બની ગયેલા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોને આજે વડોદરાના લોકોના મિજાજનો પરચો મળ્યો હતો. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે મનસ્વી રીતે 2000 જેટલી બેઠકો ઘટાડી દેવાના કારણે આ વર્ષે હવે સેંકડોની સંખ્યામાં વડોદરાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. વિદ્યાર્થી આગેવાનોએ કહ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો અને ભાજપ સરકાર સમજી જાય. જો વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો વડોદરામાં પણ અયોધ્યાવાળી થશે.

પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ, અયોધ્યાવાળી કરવાની ચીમકી 2 - image

આજે સતત બીજા દિવસે 500 કરતા વધારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એન.એસ.યુ.આઈ તેમજ એ.જી.એસ.યુ વિદ્યાર્થી સંગઠનોને સાથે રાખીને યુનિવર્સિટીની હેડ ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો. પ્રવેશ વગર અટવાઈ ગયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ 'ગલી..ગલી મેં શોર હૈ..વીસી ચોર હૈ'ના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.

વાલીઓ અને વિદ્યાર્થીઓેના દેખાવોના પગલે યુનિવર્સિટી હેડ ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. વાલીઓએ કહ્યું હતું કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કોમર્સના ડીને ખાનગી યુનિવર્સિટીઓ સાથે સાંઠગાંઠ કરી લાગે છે. પણ અમારી પાસે ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૈસા નથી અને અમે કોઈ પણ સંજોગોમાં કોમર્સ ફેકલ્ટીમાં અમારા સંતાનો માટે પ્રવેશ લઈને રહીશું.

પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓનો એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ, અયોધ્યાવાળી કરવાની ચીમકી 3 - image

આકરી ગરમીમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતેથી હટવા માટે તૈયાર નહોતા. બે કલાક સુધી દેખાવો અને હંગામો થયા બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ નમતુ જોખીને પાંચ પ્રતિનિધિઓને મુલાકાત માટે બોલાવવા પડયા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને લોલીપોપ આપવામાં આવી હતી કે, પાંચ પ્રતિનિધિઓને મંગળવારે વાઈસ ચાન્સેલર મળશે.


Google NewsGoogle News