ભારત-પાકની મેચ પૂર્વે રોમાંચ, અર્ધલશ્કરી દળો તૈનાતઃવિજય સરઘસો નહિં કાઢી શકાય
વડોદરાઃ ભારત-પાકિસ્તાનની મેચને પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે અને અનેક સ્થળોએ મોટા સ્ક્રીન પર સામૂહિક રીતે મેચ માણવા માટે આયોજનો થઇ રહ્યા છે ત્યારે મેચના પરિણામ બાદ કોઇ ઉશ્કેરણી ના થાય અને નવરાત્રિ જેવા તહેવારો પર તેની અસર ના થાય તે માટે પોલીસે વિજય સરઘસો નહિં કાઢવા અપીલ કરી છે.
ભારત-પાકિસ્તાનની મેચ ને કારણે વડોદરામાં કોમી અશાંતિ સર્જાઇ હોવાના ભૂતકાળમાં બનાવો બન્યા હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને ચાર દરવાજા તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ચાર કંપની ગોઠવી દીધી છે.આ ઉપરાંત ૨૦૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો બંદોબસ્ત જાળવશે.
મેચના પરિણામ બાદ કોઇ ઉશ્કેરણી ના થાય તે માટે પોલીસ કમિશનરે સંયમ પૂર્વક મેચ માણવા અને ઘરઆંગણે તેનો ઉત્સાહ મનાવવા અપીલ કરી ચાર દરવાજા ઉપરાંત અટલ બ્રિજ,અકોટા-દાંડિયાબજાર બ્રિજ, ફતેગંજ જેવા વિસ્તારોમાં બેરિકેડ્સ ગોઠવી દેવા પોલીસને સૂચના આપી છે.
આ ઉપરાંત સાયબર સેલને પણ અફવા ફેલાવતા અને ઉશ્કેરણીજનક મેસેજો વાયરલ કરતા તત્વો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.જ્યારે,ભૂતકાળમાં તોફાનોના બનેલા બનાવોમાં ઉશ્કેરણીજનક કૃત્ય કરનારા તત્વો પર પણ નજર રાખવામાં આવી રહી છે.