પેરામિલિટરી ફોર્સનો જવાન દારૃની બોટલો સાથે ઝડપાયો
રૃા.૭૨૫૦૦ની દારૃની બોટલો પોલીસે કબજે કરી જવાનની વધુ પૂછપરછ હાથ ધરતી પોલીસ
વડોદરા, તા.25 પંજાબમાં પેરામિલિટરી ફોર્સમાં મળતી દારૃની બોટલોનો મોટો જથ્થો લઇને વડોદરામાં આવેલા આઇટીબીપીના હેડ કોન્સ્ટેબલને રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે રેલવે પોલીસનો સ્ટાફ મોડી રાત્રે પ્લેટફોર્મ નંબર-૧ પર વોચમાં હતો ત્યારે અમૃતસર કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને ટ્રોલીબેગ, પીઠબેગ અને બેગપેક લઇને જતો એક યુવાન શંકાસ્પદ જણાતા તેને રોકી બેગોમાં શું છે તેમ પૂછતાં તે ગભરાઇ ગયો હતો અને બેગોમાં દારૃની બોટલો છે તેમ કહ્યું હતું. બાદમાં તેની પાસેની બેગોમાં તપાસ હાથ ધરતાં પંજાબમાં પેરા મિલિટરી ફોર્સની કેન્ટિનમાં મળતી વિવિધ બ્રાંડની દારૃની બોટલો બેગોમાંથી મળી હતી.
પોલીસે તેની પાસેથી રૃા.૭૨૫૦૦ કિંમતની ૫૨ બોટલો કબજે કરી તેનું નામ પૂછતાં સુનિલ રાધેશ્યામ યાદવ (રહે.ઇલાઇટ હાર્મની, બંસલ મોલ પાસે, ગોત્રીરોડ) જાણવા મળ્યું હતું. પોતે આઇટીબીપીમાં હેડ કોન્સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું. દારૃના જથ્થા પૈકી તેની પાસે છ બોટલોનું બિલ મળતા તેટલી દારૃની બોટલો જવાનને પરત કરવામાં આવી હતી જ્યારે પોલીસે કબજે કરેલી ત્રણ બેગોમાં મૂકેલી દારૃની બોટલો કોના માટે કેમ લાવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.