પ્રસિધ્ધ યાત્રાધામ ચાંદોદના મલ્હારરાવ ઘાટ સામે મહાકાય મગર દેખાતાં ગભરાટ
વડોદરાઃ વડોદરા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરે દેખા દેતાં હજારો યાત્રાળુઓમાં ભયની લાગણી વ્યાપી છે.
ધાર્મિક વિધિ માટે પ્રચલિત યાત્રાધામ ચાંદોદ ખાતે માત્ર વડોદરા કે ગુજરાતના શહેરોમાંથી જ નહિં પણ જુદાજુદા રાજ્યોમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.અહિં ત્રિવેણી સંગમ હોવાથી અસ્થિ વિસર્જન સહિતની અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે અને લોકો સ્નાન પણ કરતા હોય છે.
કેટલાક દિવસોથી મલ્હારરાવ ઘાટ સામે મહાકાય મગર આંટા મારતો દેખાતો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.મગર આંટા મારતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.જેને સ્થાનિક આગેવાને સમર્થન પણ આપ્યું છે.જો કે,હજી સુધી મગરે કોઇને નુકસાન કર્યું નથી.
ચાંદોદમા રહેતા લોકોએ આ મુદ્દે ફોરેસ્ટ વિભાગ દ્વારા મગર પકડવા માટે તાકિદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.