નવા રોડ પર પેચવર્ક અને મુખ્યમંત્રી લોકાર્પણ કરશે પાલેજ-નારેશ્વરરોડ માટે રૃા.૩૩.૭૫ કરોડનો ખર્ચ છતાં ખાડા પડી ગયા

હલકી કક્ષાની કામગીરીથી ફરી રોડ બનાવ્યો પરંતુ નવા રોડમાં પણ ખામી ઃ ર્પેચવર્ક કરી ભૂલ સુધારાઇ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
નવા રોડ પર પેચવર્ક અને મુખ્યમંત્રી લોકાર્પણ કરશે  પાલેજ-નારેશ્વરરોડ માટે રૃા.૩૩.૭૫ કરોડનો ખર્ચ છતાં ખાડા પડી ગયા 1 - image

વડોદરા, તા.2 પાલેજ-નારેશ્વરરોડ જ્યાંથી ઓવરલોડ રેતી ભરીને સૌથી વધારે ડમ્પરો જાય છે તે રોડનું મજબૂતીકરણ અને પહોળાઇનું કામ હાલ થયું છે પરંતુ અનેક સ્થળોએ હલકી કામગીરીના કારણે ફરીથી પેચવર્ક કરવું પડયું તે રોડનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા આવતીકાલે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાલેજથી નારેશ્વર વચ્ચે ૧૦ કિલોમીટર રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. નેશનલ હાઇવે પરથી પવિત્ર યાત્રાધામ નારેશ્વર જવા માટે આ રોડનો ઉપયોગ લોકો કરતાં હોય છે પરંતુ યાત્રાળુઓની સંખ્યાના બદલે રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો અથવા ડમ્પરો મોટી સંખ્યામાં આ રોડ પરથી પસાર થતા હોય છે. પાંચ વર્ષ પહેલાં જ પાલેજ અને નારેશ્વરરોડ વચ્ચે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો  હતો પરંતુ હલકી કક્ષાના રોડના કારણે રોડ તૂટી જતા ફરીથી કામ કરવાની ફરજ પડી હતી.

પાલેજ અને નારેશ્વર વચ્ચેના ખખડી ગયેલા રોડના મજબૂતીકરણ તેમજ પહોળાઇ વધારવા માટે વડોદરાની એજન્સી શાંતિલાલ બી. પટેલને રૃા.૩૦.૩૮ કરોડનું કામ સપ્ટેમ્બર ૨૦૨૨માં સોંપાયું હતું. વર્કઓર્ડર અપાયાને એક વર્ષમાં કામ પૂરુ કરવાની શરત હતી પરંતુ સમયમર્યાદામાં કામ પૂર્ણ થયું ન હતું. એજન્સી દ્વારા પેટા એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને હલકી કામગીરીના કારણે ઠેરઠેર ફરી ગાબડાં પડવા લાગ્યા હતાં.

તાજેતરમાં વરસાદમાં મોટાપાયે રોડ ધોવાઇ ગયો હતો અને ઓઝ તેમજ સારિંગ ગામે તો મોટા ખાડા પણ પડી ગયા હતાં. રૃા.૩૦.૩૮ કરોડના કામ સામે વધારાનો ખર્ચ થતાં હાલ કુલ રૃા.૩૩.૭૫ કરોડનો ખર્ચ થઇ ગયો છે. આ રોડ તૈયાર થઇ ગયો હોવાનું દર્શાવી તંત્ર દ્વારા હવે આવતીકાલે મુખ્યમંત્રી દ્વારા રોડનું લોકાર્પણ કરાવવાનો કાર્યક્રમ ગોઠવી દેવાયો છે. રાતોરાત સાઇનબોર્ડ પણ લગાવી દેવાયા છે અને ખાડા પડી ગયા  તેવા અનેક સ્થળોએ પેચવર્ક કરી દેવાયું છે.




Google NewsGoogle News