પાદરાના સોની પરિવારે વ્યાજની રકમ વસૂલવા યુવાનનું અપહરણ કરી માર માર્યો
Image: Freepik
Kidnapping: પાદરાની હોસ્પિટલમાં પુત્રીનું ઓપરેશન કરાવવા માટે ગયેલા યુવાનનું પાદરાના સોની પરિવારે અપહરણ કરી ઘેર લઈ જઈ ઢોર માર માર્યો હતો અને વ્યાજના પૈસા કેમ નથી આપતો તેમ કહી ધમકી ઉચ્ચારી હતી.
પાદરાની નાદેરા શેરીના મૂળ વતની અને હાલ પોલો ગ્રાઉન્ડ પાસે રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણ અમરતલાલ સોનીએ પાદરાની દેરા શેરીમાં રહેતા નીરવ ઉર્ફે નૈનેશ જયંતીભાઈ સોની તેમજ મોરારબાગ સોસાયટીમાં રહેતા રાકેશ જયંતીભાઈ સોની, ભુમન રાકેશભાઈ સોની અને વૈશાલી રાકેશ સોની સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રી બિંદિયને ગાંઠનું ઓપરેશન કરાવવાનું હોવાથી શનિવારની સવારે હું મારી પત્ની પુત્રીને લઈને પાદરા ખાતે આવેલ અને ખાનગી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં મને પાણીની તરસ લાગતા પાણીની બોટલ લેવા માટે હોસ્પિટલની બહાર ઘનશ્યામનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થતો હતો ત્યારે નીરવ ઉર્ફે નૈનેશ સોની મને મળેલ નિરવે મને જણાવેલ કે વર્ષ 2018માં મારી દુકાનેથી 79000 ની સોનાની ચેન ખરીદી હતી જેના બાકી પડતા રૂપિયા કેમ આપ્યા નથી જેથી મેં નીરવને જણાવેલ કે તે સમયે મે ચાલીસ હજાર રોકડા આપેલા બાદમાં કોરોના ચાલુ થતાં તૂટક તૂટક 80,000 આપી દીધા હતા અને સમાધાન પણ થયું હતું તેમ છતાં પૈસા કેમ માંગો છો ત્યારે નિરવે કહેલ કે તમે મને ફક્ત મૂડીના રૂપિયા આપેલા છે વ્યાજના ₹70,000 નથી આપ્યા તેમ કહી અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું હતું અને ફોન કરી તેના ભાઈ રાકેશ અને ભત્રીજાને બોલાવતા બંને જણા સ્થળ પર આવ્યા હતા અને મને કહેલ કે તમારે અમારા ઘેર આવવું પડશે તે સમયે મેં ના પાડી અને મારી પુત્રીનું ઓપરેશન છે હમણાં નહીં આવું એમ કહેતા બળજબરી એક્ટિવા પર બેસાડી મોરારબાગ સોસાયટીમાં તેમના ઘેર લઈ ગયા હતા અને મારો વિડિયો ઉતારી ઢોર માર માર્યો હતો બાદમાં મારી પત્નીને ફોન કરતા તે આવી ગઈ હતી ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.