Get The App

વડોદરાના પાદરાનું સાંધા ગામ સૌથી યુવાન, ૩૯ વર્ષથી નીચેના ૫૩ ટકા મતદારો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
વડોદરાના પાદરાનું સાંધા ગામ સૌથી યુવાન, ૩૯ વર્ષથી નીચેના ૫૩ ટકા મતદારો 1 - image


લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય એ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તૈયારીઓ સાથે મતદારોને તેમને મળેલા મતદાનના બંધારણીય અધિકારના ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા મતદારો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં સૌથી વધુ યુવા મતદારો ધરાવતું ગામ પાદરા તાલુકાનું સાંધા છે. ત્યાંની કુલ વસતીના ૫૩ ટકા મતદારો યુવાન છે. આ ગામમાંથી ૧૨૪ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. 

સાંધા ગામમાં કુલ ૨૨૧૪ મતદારો છે. તેમાંથી ૧૧૮૮ મતદારો યુવાવસ્થા ધરાવે છે. વય જૂથ પ્રમાણે જોઇએ તો ૧૮થી ૧૯ના ૧૨૪, ૨૦થી ૨૯ના ૬૦૭ અને ૩૦થી ૩૯ વયના ૪૫૭ મતદારો છે. આવું જ બીજુ ગામ કરજણ તાલુકાનું વલણ ગામ છે. જિલ્લામાં અહીં આ વખતે સૌથી વધુ ૨૫૭ યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે. વલણના કુલ ૮૫૦૩ મતદારો પૈકી ૪૯.૩૧ ટકા એટલે કે ૪૧૯૩ મતદારો ૩૯ વર્ષ કે તેનાથી ઓછી વયના છે. 

વડોદરા જિલ્લામાં કુલ ૨૬,૩૮,૭૪૬ મતદારો પૈકી ૫૧૬૪૫ મતદારો ૧૮થી ૧૯ વયના છે અને તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. એ પ્રમાણે જોઇએ તો કુલ મતદારોની સાપેક્ષે બે ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. પાદરા મતવિસ્તારમાં સૌથી વધુ ૬૧૫૬ મતદારો પહેલી વાર મતદાન કરશે. વડોદરા જિલ્લામાં કુલ ૪૧.૮૧ ટકા એટલે કે, ૧૧,૦૩,૪૪૧ મતદારો યુવાન છે. જેની ઉમર ૩૯ વર્ષથી નીચે છે. 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ થોડા સમય પૂર્વે વડોદરામાં એક બેઠક યોજી મતદાર નોંધણીને વેગવાન બનાવવા માટે સૂચના આપી હતી. ત્યાર બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) સુધી સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના પગલે વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકોમાં મતદારોનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ૧૮થી ૧૯ વર્ષનો મતદાર ના હોય ! તમામ પાર્ટમાં લઘુત્તમ ૮ જેટલા તો પ્રથમ વખતના મતદારો છે. 

૧૮થી ૧૯ વયના મતદારોની સમીક્ષા કરીએ તો સાવલીમાં આવા ૫૯૭૫ મતદારો છે. જેમાં વરસડામાં ૧૯૫, જાંબુગોરલમાં ૯૦, ડેસરમાં ૧૪૪, શિહોરામાં ૧૨૧, સાવલી નગરમાં ૩૪૪, વાંકાનેરમાં ૧૭૨ ઉક્ત વય જૂથના મતદારોને નોંધવામાં આવ્યા છે. 

વાઘોડિયા બેઠકમાં સોખડાના ૧૧ બૂથ ઉપર ૨૩૫, નંદેસરીના ૯ ભાગના ૧૫૦ સહિત શેરખી, વાઘોડિયા ગામમાં પ્રથમ વખતના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ બેઠક ઉપર ૫૩૫૮ મતદારો ૧૮થી ૧૯ વર્ષના છે. 

ડભોઇ નગરમાં જ ૧૧૪૧ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. આ ઉપરાંત કાયવરોહણ ગામના આઠ ભાગમાં ૧૫૧ પહેલી વખતના નવા મતદારો નોંધાયા છે. અહીં આવા મતદારોની સંખ્યા ૫૮૨૪ છે.  

વડોદરા શહેરની બેઠક ઉપર ૪૭૧૦ મતદારો ૧૮થી ૧૯ વય જૂથના છે. જેમાં સંગમ સવાદ વિસ્તારમાં ૮૮૫, ફતેહપૂરામાં ૭૨૧, સયાજીપૂરામાં ૫૨૧નો આંક નોંધપાત્ર છે. સયાજીગંજ બેઠકમાં આવા મતદારોની સંખ્યા ૪૬૩૯ છે અને સૌથી વધુ ગોરવા વિસ્તારના ૧૦૨ ભાગમાં ૧૭૮૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. સમામાં ૫૭૯, ગોત્રીમાં ૭૩૧, કસ્બામાં ૩૮૩ મતદારો આ શ્રેણીના છે. 

અકોટા બેઠકમાં નવા યુવાન ૪૬૬૧ પૈકી અટલાદરા વિસ્તારમાં કુલ ૭૮૯ જેટલા નવા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. એ બાદ રાવપૂરામાં ૩૯૮૮ મતદારો ૧૮થી ૧૯ વય જૂથના છે. જેમાં છાણી વિસ્તારના ૪૭૪, સમાના ૩૭૨, નાગરવાડાના ૫૯૪ મુખ્ય છે. માંજલપૂર બેઠકમાં ૪૭૯૦ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જેમાં તરસાલીના ૧૩૧૩, મકરપૂરાના ૯૪૩ મતદારોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોની અહીં માત્ર ૧૮થી ૧૯ વર્ષ વય જૂથના મતદારોની સમીક્ષા કરવામાં આવી છે.


Google NewsGoogle News