પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોની એકબીજાને ધમકી
શિક્ષકે કહ્યું બીજા માળેથી નીચે ફેંકી દઇશ તો સામે નિવૃત્ત શિક્ષકની ધમકી હું તને હેરાન કરીશ, સમાધાન કરવું હોય તો ૫૦ હજાર આપ
વડોદરા, તા.13 નિવૃત્ત શિક્ષિકાની સેવાપોથી જોવા મુદ્દે પાદરામાં આવેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં નિવૃત્ત શિક્ષક તેમજ હાલના શિક્ષક વચ્ચે ઉગ્ર બોલાચાલી અને એકબીજાને ધમકીઓ આપવા બાબતે અઢી મહિના બાદ બંને પક્ષે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પાદરામાં મારૃતિનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક જયેશ કાંતિલાલ ઠક્કરે શિક્ષક રાહુલ કિરિટ પટેલ (રહે.આવકાર બંગ્લોઝ, કલાલી) અને મહેશભાઇ પ્રજાપતિ (રહે.પાદરા) સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું હાલ પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં સલાહકાર તરીકે ચાર માસથી સેવા આપું છું. તા.૨૯ નવેમ્બરના રોજ બપોરે હું ઘેર હતો ત્યારે મારા મિત્ર અને નિવૃત્ત શિક્ષક દાદુભાઇએ નિવૃત્ત શિક્ષિકા નિતાબેન દેસાઇના પુરવણી બિલ અંગે સેવાપોથીના પ્રશ્ન બાબતે મને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવતા હું ત્યાં ગયો હતો અને સેવાપોથી જોઇ મેં રાહુલને જણાવેલ કે પુરવણી બિલ હજી સુધી કેમ બન્યુ નથી જેથી રાહુલ ઉશ્કેરાઇ ગયો હતો અને હું કોઇ સર્વિસબુક કે પુરવણી બિલ તને બતાવવાનો નથી, ઓફિસની બહાર નીકળી જા અને ફરીથી ઓફિસમાં આવ્યો છે તો કચેરીના બીજા માળેથી નીચે નાંખી દઇ મારી નાંખીશ. રાહુલની આ ધમકીથી ગભરાઇ હું ઘેર જતો રહ્યો હતો. બાદમાં કચેરીમાં મહેશભાઇ પ્રજાપતિ આવ્યા હતા અને તેઓ પણ ધમકી આપતા હતા કે જયેશને નોકરીમાંથી નિવૃત્ત કરાવી દીધો છે હવે જિંદગીમાંથી પણ નિવૃત્ત કરી દેવો પડશે.
સામા પક્ષે રાહુલ કિરિટ પટેલે નિવૃત્ત શિક્ષક જયેશ ઠક્કર સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું સાઢા પ્રાથમિક શાળામાં શિક્ષક છું અને રાષ્ટ્રીય મહાસંઘ પાદરા તાલુકામાં અધ્યક્ષ તરીકે સેવા બજાવું છું. તા.૨૯મીએ કચેરીમાં પગાર અને કચેરીના બિલો બનાવવાના હોવાથી ટીપીઓ તેમજ ક્લાર્કની ટેલિફોનિક સુચનાથી હું કચેરીમાં ગયો હતો ત્યારે જાસપુર પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત શિક્ષક દાદુસિંહ સિંઘા અને લખડીકુઇ પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા નિતાબેનની સેવાપોથીમાં સીસીસી પ્રમાણપત્ર અંગેની નોંધ અંગે બોલાચાલી થયા બાદ દાદુસિંહે જયેશ ઠક્કરને બોલાવ્યા હતા. જયેશ ઠક્કરે આવીને અપશબ્દો બોલલાવનું શરૃ કરતાં હું કચેરીની બહાર નીકળતો હતો ત્યારે તેઓ મારી પાછળ પાછળ આવીને પહેલાં હું નોકરીમાં હતો એટલે તમને બધાને મેં જવા દીધેલ હવે હું નિવૃત્ત થઇ ગયો છું તમે મારુ કાંઇ બગાડી નહી શકો તેમ કહેતાં મેં તેમને તમે સિનિયર નિવૃત્ત છો તમારે સલાહ,માર્ગદર્શન અને સહકાર આપવાનો હોય તેમ કહેતાં તે ફરી ઉશ્કેરાયા હતા અને આ કચેરીમાં ફરી દેખાયો તો તારા ટાંટિયા તોડી નાંખીશ, હું તારી વિરુધ્ધ આરટીઆઇ અને ખોટી અરજીઓ કરી તને હેરાન કરીશ તારે સમાધાન કરવું હોય તો રૃા.૫૦ હજાર આપવા પડશે તો જ સારી રીતે નોકરી કરવા દઇશ નહી તો બદલી કરાવી દઇશ તેવી ધમકી આપી હતી.