મ્યુ.કોર્પોરેશને હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરતા પદમાવતી શોપિંગ સેન્ટરનો વિવાદ ફરી વકર્યો
પદમાવતી શોપિંગ સેન્ટર તોડીને ત્યાં સિટિ સ્ક્વેર બનાવવાનો પ્લાન છે, વેપારીઓને હજુ સુધી વૈકલ્પિક જગ્યા અપાઇ નથી
વડોદરા : સૂરસાગર તળાવ સામે આવેલા પદમાવતી શોપિંગ સેન્ટરને તોડીને તે સ્થળે સિટિ સ્ક્વેર બનાવવાની યોજના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવી છે. જો કે આ યોજનામાં કોર્પોરેશન અને વેપારીઓ વચ્ચે તાલમેલ નહી બેસતા વિવાદો ઊભા થઇ રહ્યા છે, જેમાં વધુ એક વિવાદ હવે ઉમેરાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને એવી શંકા છે કે આ યોજના સામે વેપારીઓ ગુજરાત હાઇકોર્ટમાંથી સ્ટે લાવી શકે છે એટલે કોર્પોરેશને હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરી છે કે સ્ટે આપતા પહેલા કોર્પોરેશનનો પક્ષ પણ સાંભળવામાં આવે. આ મામલે હાઇકોર્ટ દ્વારા પદમાવતી શોપિંગ સેન્ટરના ૨૩૦ વેપારીઓને નોટિસ મોકલવામાં આવતા વેપારીઓ વિફર્યા છે.
વેપારીઓનું કહેવું છે કે એક તરફ કોર્પોરેશન સમાધાનની વાત કરે છે, જ્યારે બીજી તરફ કાનૂની લડતના મંડાણ કરે છે. અમે લોકો પણ આ મામલે હવે કાનૂની અભિપ્રાય લઇને આગળ લડત આપીશું. પદમાવતી શોપિંગ સેન્ટર તોડયા બાદ અમને વૈકલ્પિક જગ્યા આપવાની વાત છે પરંતુ તે અંગે કોર્પોરેશને હજુ ફાઇનલ નિર્ણય કર્યો નથી એટલે વેપારીઓમાં ચિંતા છે.