Get The App

જિલ્લામાં ડાંગરનું વાવેતર ગત વર્ષની સરખામણી સામે હજુ અડધે જ પહોંચ્યું

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
જિલ્લામાં ડાંગરનું વાવેતર ગત વર્ષની સરખામણી સામે હજુ અડધે જ પહોંચ્યું 1 - image


વરસાદી મહેર થવાની જગતના તાતને રાહ

મુખ્ય પાક પૈકી કપાસદિવેલા અને બાજરીનું પણ ઓછું વાવેતર થયુ પરંતુ મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું

ગાંધીનગર :  ચોમાસુ બેસી ગયાને સવા મહિનો થવા આવ્યા છતાં ગાંધીનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૨૨ ટકાએ પહોંચ્યો હોવાથી વાવેતર પર અસર આવી છે. મેઘ મહેરની રાહ જતાં ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેતર ગત વર્ષની સરખામણીએ અડધે જ પહોંચાડાયું છે. આ ઉપરાંત મુખ્ય પાક પૈકીના કપાસ, દિવેલા અને બાજરીનું પણ ઓછું વાવેતર થયુ છે. પરંતુ મગફળીના વાવેતરમાં ગત વર્ષની સામે થોડો વધારો નોંધવામાં આવ્યો છે.

આ સમયગાળામાં જ ગત વર્ષે સારા વરસાદના પગલે જિલ્લામાં વિવિધ ખરીફ પાકનું વાવેતર ૬૦ ટકાને પાર પહોંચી ગયુ હતું. પરંતુ આ વર્ષે જુલાઇ મહિનાનો મધ્યાંતર ઉતરી ગયા પછી પણ ખેતી માટે જોઇએ તેવો વરસાદ ગાંધીનગર જિલ્લામાં પડયો નથી. પરિણામે જિલ્લાનું કુલ વાવેતર ૧,૨૭,૦૮૬ હેક્ટરની સામે ૬૯,૦૮૯ હેક્ટરમાં થતાં ૫૫ ટકાએ પણ પહોંચ્યુ નથી. ચિંતામાં મુકાયેલો જગતનો તાત હવે ચાતક નયને આકાશ તરફ મીટ માંડતો થઇ ગયો છે. જિલ્લા ખેતીવાડી શાખાના અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે જિલ્લાના ચાર તાલુકા પૈકી માણસામાં ૧૯,૧૪૦ હેક્ટરમાં ૬૯ ટકાથી વધુ, દહેગામમાં ૨૫,૫૦૪ હેક્ટરમાં ૬૩ ટકા જેટલું, ગાંધીનગર તાલુકામાં ૧૭,૫૭૧ હેક્ટરમાં ૫૫ ટકા જેટલું અને કલોલ તાલુકામાં ૬,૮૭૪ હેક્ટરમાં ૨૬ ટકા જેટલું વિવિધ પાકનું વાવેતર નોંધવામાં આવ્યું છે.

મુખ્ય પાક પૈકી ડાંગરની વાત કરવામાં આવે તો ગત વર્ષે ૪,૭૬૭ હેક્ટરની સામે આ વર્ષે ૨,૬૧૨ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કપાસમાં ગત વર્ષે ૨૨,૨૭૧ હેક્ટરની સામે આ વર્ષે ૧૯,૧૮૬ હેક્ટરમાં, દિવેલામાં ગત વર્ષે ૧,૧૨૩ હેક્ટરની સામે આ વર્ષે ૮૩૩ હેક્ટરમાં, બાજરીમાં ગત વર્ષે ૧,૪૯૬ હેક્ટરની સામે આ વર્ષે ૪૧૯ હેક્ટર વિસ્તાર સુધી વાવેતર પહોંચ્યુ છે. પરંતુ મગફળીમાં વધારો થઇને ગત વર્ષે ૧૨,૦૨૦ હેક્ટરની સામે આ વર્ષે ૧૪,૧૮૩ હેક્ટરમાં વાવેતર પહોંચ્યુ છે.


Google NewsGoogle News