કોર્પોરેશનના TDO જીતેશ ત્રિવેદી વતી ૧.૫૦ લાખની લાંચ લેવા ગયેલો PA ઝડપાયો
દિવાળીના દિવસે પીએ યોગેશ પરમાર લાંચની રકમ અને દિવાળીની ગિફ્ટો લેવા ગયો અને એસીબીએ ઝડપી પાડયો
વડોદરા, તા.12 કિશનવાડી વિસ્તારમાં આવેલી સાંઇડ્રીમ એપાર્ટમેન્ટનું વીજજોડાણ બંધ કરવા તેમજ એપાર્ટમેન્ટને સીલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામશાખાના ટીડીઓ જીતેશ ત્રિવેદીએ લાંચની માંગેલી રકમ રૃા.૧.૫૦ લાખ લેવા ગયેલો જીતેશ ત્રિવેદીનો પીએ યોગેશ પરમાર આજે દિવાળીના દિવસે એક વકીલની ઓફિસમાં રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે હરણી-વારસિયા રિંગરોડ વિસ્તારમાં રહેતી એક વકીલની સોસાયટી નજીક સાંઇડ્રીમ નામનું એપાર્ટમેન્ટ બનતું હતું જેથી આ એપાર્ટમેન્ટનું બાંધકામ ગેરકાયદે છે તેમ જણાવી બાંધકામ બંધ કરવા માટે વકીલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ શાખામાં રજૂઆતો કરી હતી જે આધારે બાંધકામ શાખા દ્વારા એપાર્ટેમેન્ટના બાંધકામ માટે મનાઇહુકમ આપ્યો હતો. તેમ છતાં બિલ્ડરો દ્વારા પોતાની વગ વાપરી સાંઇડ્રીમ એપાર્ટેમેન્ટ બાંધી દીધો હતો જેથી આ એપાર્ટમેન્ટને સીલ કરવા માટે વકીલ દ્વારા કોર્પોરેશનના કમિશનર, બાંધકામ શાખાના ટીડીઓ અને ડે.ટીડીઓને રજૂઆતો કરી હતી.
આ ફરિયાદોના પગલે કમિશનર દ્વારા એપાર્ટમેન્ટનું વીજજોડાણ બંધ કરવા માટે એમજીવીસીએલ, માંડવી સબ ડીવીઝનને હુકમ કર્યો હતો પરંતુ કોર્પોરેશનના ટીડીઓ જીતેશ ત્રિવેદીએ આ વીજ કનેક્શન બંધ કરવાની ના પાડી હતી અને વકીલને જણાવેલ કે તમે વ્યવહાર સમજતા નથી, જો વ્યવહાર સમજો તો એપાર્ટમેન્ટને સીલ કરી નાંખીશું. વકીલે વ્યવહારની વાત કરતા જીતેશ ત્રિવેદીએ રૃા.૨ લાખના પેકેજની માંગણી કરી હતી પરંતુ વકીલે આ મોટી રકમ છે અમારાથી નહી થાય તેમ કહેતાં જીતેશ ત્રિવેદીએ રૃા.૧.૫ લાખ રોકડા અને આ રકમ દિવાળી પહેલા આપવી પડશે અને આ રકમ મારા પીએ યોગેશને આપી દેજો તેમજ દિવાળી માટેની વસ્તુઓ પણ લેતા આવજો તેમ કહી જીતેશ ત્રિવેદીએ પીએ યોગેશ પરમારને બોલાવી સૂચના આપી હતી.
આ અંગે વકીલ લાંચ આપવા માંગતા નહી હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી જેના આધારે મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.કે. સ્વામી તેમજ સ્ટાફના માણસોએ વકીલની કિશનવાડીરોડ પર વલ્લભ રેસિડેન્સી ખાતેની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ જીતેશ ત્રિવેદીના પીએ યોગેશ દેવજીભાઇ પરમાર (રહે.દ્વારકાનગરી, વૃંદાવન સોસાયટી સામે, બાપોદ-વાઘોડિયારોડ) લાંચની રકમ તેમજ દિવાળીની ગિફ્ટો લેવા માટે વકીલની ઓફિસે આવ્યા બાદ લાંચની રકમ લેતાં જ એસીબીએ યોગેશ પરમારને લાંચની રકમ અને દિવાળીની ગિફ્ટો સાથે ઝડપી પાડયો હતો. એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.