પાલેજ-નારેશ્વરરોડ પર ઓવરલોડ રેતી ભરીને જતા ૪ ડમ્પર ઝડપાયા

આણંદ જિલ્લામાંથી રોયલ્ટી વગર રેતી ભરીને આવેલા ડમ્પર સહિત બે વાહનો કબજે કરાયા ઃ સુશેન પાસે ઓવરલોડ ડમ્પર પણ કબજે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
પાલેજ-નારેશ્વરરોડ પર ઓવરલોડ રેતી ભરીને જતા ૪ ડમ્પર ઝડપાયા 1 - image

વડોદરા, તા.6 વડોદરા જિલ્લામાં પાલેજ-નારેશ્વરરોડ પર મોટાપાયે ઓવરલોડ રેતી ભરેલા વાહનો પસાર થવાથી આ રોડની  હાલત વારંવાર બગડતી હોય છે જેના પગલે તંત્ર દ્વારા હવે આ રોડ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ રોડ પર ચેકિંગ હાથ ધરી ગઇકાલે રેતી ભરેલા ચાર ઓવરલોડ ડમ્પરો કબજે કર્યા હતાં. આ ઉપરાંત આજે પણ રોયલ્ટી વગર આવતી બે ટ્રકો તેમજ એક ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાલેજ-નારેશ્વરરોડ પર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે રોડની હાલત બગડતી હોય છે. ઓવરલોડ વાહનો પર અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે અને આ રોડ પર ખાણખનિજખાતા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે નારેશ્વરરોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પરો કબજે કરવામાં આવ્યા  હતાં. કુલ રૃા.૧.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી તંત્ર દ્વારા હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે પણ પાલેજ-નારેશ્વરરોડ પર ચેકિંગની કામગીરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સાવલી તાલુકામાં પણ રેતીના ગેરકાયદે ખનન અને વહનને અટકાવવા માટે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. સાવલી તાલુકાના ભાદરવા ગામેથી રેતી ભરેલા એક ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણખનિજખાતાના સ્ટાફે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટીની માંગણી કરતાં તેની પાસેથી મળી ન હતી. રોયલ્ટી વગર રેતી ભરેલું ડમ્પર ઝડપાયા બાદ ચાલકની પૂછપરછ કરતાં રેતી આણંદ જિલ્લાના ખેરડા ગામેથી ભરીને લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

સાવલી તાલુકાના મેવલી ગામ પાસેથી પણ એક ડમ્પર રેતી ભરેલું ઝડપાયું હતું. આ ડમ્પરના ચાલક પાસે પણ રોયલ્ટીપાસ મળ્યો ન હતો. ખાણખનિજખાતા દ્વારા ડમ્પરના ચાલકની પૂછપરછના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા શહેરના સુશેન સર્કલ પાસે રેતી ભરેલા એક ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઓવરલોડ ડમ્પર નારેશ્વરથી રેતી ભરીને આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. આજે આશરે રૃા.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.




Google NewsGoogle News