8000થી વધુ ગાડીઓ અને ટુ વ્હીલર્સ પાણીમાં, પૂર ઓસર્યા બાદ ગેરેજો પર વાહનોનો રીપેરિંગ માટે ખડકલો
Vadodara News : વડોદરા શહેરમાં પૂરના પાણીએ શહેરીજનોને આર્થિક રીતે પણ કારમો ફટકો માર્યો છે. વડોદરાના હજારો વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને હવે જ્યારે પૂરના પાણી ઓછા થઈ રહ્યાં છે ત્યારે ગેરેજો પર વાહનોના ઢગલા થઈ રહ્યાં છે.
એક અંદાજ પ્રમાણે 8000 કરતા વધારે કારો અને હજારોની સંખ્યામાં ટુ વ્હીલર્સ પર પાણી ફરી વળ્યાં હતા. ઘણા લોકોએ પોતાની કારોને બચાવવા માટે મુખ્ય રસ્તા પર કે પછી ઓવર બ્રિજ પર પણ પાર્ક કરી હતી. જોકે તે પછી પણ પૂરના પાણી ફરી વળ્યાં બાદ હજારો વાહનો પાણીમાં હતા.
આ પણ વાંચો : વડોદરામાં ત્રણ દિવસમાં 70 સાપ અને 10 મગરનું રેસ્કયુ, 18 ટીમો મગર પકડવા તહેનાત, હેલ્પલાઈન પણ શરૂ
હવે લોકો ગેરેજ પર પહોંચી રહ્યાં છે. એક ગેરેજ સંચાલકે જણાવ્યું હતું કે, દરેક ટુ વ્હીલર દીઠ સરેરાશ 1000 રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. વાહનોની પેટ્રોલની ટાંકી અને સાયલેન્સરમાંથી પાણી નીકળી રહ્યું છે. જ્યારે કાર રીપેરિંગ માટે ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા મીકેનિકો માંગી રહ્યા છે.
જેમની ગાડીઓ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ હશે તે ગાડીઓ પાછળ તો લાખો રૂપિયાનો ખર્ચ થશે અથવા તો ગાડીઓ ફરી વાપરી શકાય તેવી સ્થિતિમાં જ નહી હોય.
અત્યારે ગેરેજના સંચાલકો પાસે વાહનો લઈને લોકો પહોંચી રહ્યાં છે. વાહનો રીપેરિંગ કરીને પાછા આપવામાં પણ ચાર થી પાંચ દિવસનો સમય લાગે તે હદે વાહનો બંધ હાલતમાં સમારકામ માટે પહોંચી રહ્યાં છે.
આ પણ વાંચો : વડોદરા પર હવે રોગચાળાનું જોખમ, હેલ્થ વર્કર્સની 87 ટીમો કાર્યરત, 200 ટીમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ