વુડાના ગોત્રીમાં દીનદયાળનગરના ૧૫૨૨ આવાસો ૨૦ વર્ષમાં જ જર્જરિત

આવાસો રહેવાલાયક ન હોવાનું પ્રાથમિક તારણ ઃ રૃા.૫૫ લાખના ખર્ચે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટિ ટેસ્ટિંગ કરાશે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
વુડાના ગોત્રીમાં દીનદયાળનગરના ૧૫૨૨ આવાસો ૨૦ વર્ષમાં જ જર્જરિત 1 - image

વડોદરા, તા.1 વુડા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષ-૨૦૦૨માં તૈયાર કરવામાં આવેલ દીનદયાળનગર ખાતેના ૧૫૨૨ આવાસો માત્ર ૨૦ વર્ષમાં જ ખખડધજ થઇ ગયા છે. આવાસો બાંધવામાં હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ થયો હોવાની આશંકા સાથે આ આવાસો ગમે ત્યારે માધવનગર જેવી ધટના બની શકે તેમ હોય વુડા દ્વારા હવે આવાસોનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટિ ટેસ્ટિંગ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે વુડા દ્વારા ગોત્રી વિસ્તારમાં વર્ષ ૧૯૯૯થી દીનદયાળનગર વિભાગ ૧,૨ અને ૩માં ઇડબલ્યુએસ આવાસોનું બાંધકામ શરૃ કરાયા બાદ વર્ષ ૨૦૦૨માં પૂર્ણ થતાં લાભાર્થીઓને આવાસો ફાળવવામાં આવ્યા હતાં. વુડાની દીનદયાળનગર નામની આ સ્કીમમાં વિભાગ-૧માં ૫૦૪, વિભાગ-૨માં ૨૧૨ અને વિભાગ-૩માં ૫૦૪ આવાસો મળી કુલ ૧૫૨૨ આવાસો આવેલા છે. આ આવાસોનું બાંધકામ થયે ૨૦ વર્ષ જેટલો જ સમય થયો હોવા છતાં બધા આવાસો ખખડધજ થઇ ગયા છે.

આવાસો અંગે અનેક ફરિયાદો મળતાં વુડાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સ્થળ પર મુલાકાત કરી હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ દીનદયાળનગર ૧,૨ અને ૩ના તમામ મકાનો જર્જરિત હાલતમાં જણાયા હતાં. આ આવાસો રહેવા લાયક છે કે નહી તે માટે તમામ મકાનોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટિ અંગેના ટેસ્ટ કરવા જરૃરી હોવા અંગેનો રિપોર્ટ વુડાના ચેરમેનને કરવામાં આવ્યો હતો. જેથી આ અંગે વુડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૃા.૫૫ લાખના ખર્ચે હવે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટિ ટેસ્ટ કરવાનો નિર્ણય વુડા દ્વારા લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વુડા દ્વારા તૈયાર કરાયેલા આવાસોની ગુણવત્તા અંગે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. માત્ર ૨૦ વર્ષના ગાળામાં જ તમામ આવાસો જર્જરિત થઇ જવાથી હવે લાભાર્થીઓ પણ હેરાન પરેશાન થઇ ગયા છે.



Google NewsGoogle News