Get The App

સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓમાં રીપેરિંગની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરાશે

Updated: May 15th, 2024


Google NewsGoogle News
સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓમાં  રીપેરિંગની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરાશે 1 - image

વડોદરાઃ એમજીવીસીએલ સહિત રાજ્ય સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓમાં સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટર કાર્યરત કરવાના નિર્ણય સામે હવે વીજ  કર્મચારીઓના સંગઠનોએ વિરોધ  શરુ કર્યો છે.

અખિલ ગુજરાત  વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ આક્ષેપ કર્યો છે કે, કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટર ઉભા કરવાના નામે વીજ કંપનીના કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યુ છે.જેના ભાગરુપે વીજ પુરવઠો ખોરવાય તેવા સંજોગોમાં  ગ્રાહકોની ફરિયાદો સાંભળવા માટેની અને એ પછી સમારકામની કામગીરી બહારની એજન્સીઓને સોંપવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

સંગઠનોનુ કહેવુ છે કે, અગાઉ પણ આ કામગીરીનુ આઉટસોર્સિંગ કરવાનો પ્રયત્ન થયેલો હતો અને તેમાં નિષ્ફળતા મળી હતી.ઉલટાનુ આઉટ સોર્સિંગ કરનારી એજન્સીઓનુ કામ વીજ કંપનીઓના જ કર્મચારીઓ કરી રહ્યા હતા.એજન્સીને પૂરી પાડવામાં આવેલી સાધન સામગ્રીનો દુરપયોગ કરવામાં આવ્યો હતો અને તેના કારણે વીજ કંપનીઓને આર્થિક નુકસાન ભોગવવુ પડયુ હતુ.ભૂતકાળના અનુભવમાંથી ધડો લીધા વગર સત્તાધીશો ફરી આઉટ સોર્સિંગ કરી રહ્યા છે.

સંયુક્ત સંકલન સમિતિએ ડર વ્યક્ત કર્યો છે કે, વીજ ફોલ્ટ રીપેરિંગ કરવાની કામગીરીના આઉટ સોર્સિંગના કારણે ભવિષ્યમાં વીજ કંપનીઓમાં ટેકનિકલ કર્મચારીઓની ભરતી સાવ ઓછી થઈ જશે.ઉપરાંત આઉટ સોર્સિંગના કારણે એજન્સીઓના કર્મચારીઓ ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવશે અને ભ્રષ્ટાચારમાં પણ વધારો થશે.ઉપરાંત એજન્સીના કર્મચારીઓ ફોલ્ટ રીપેરિંગની કામગીરીને પહોંચી વળશે કે કેમ તે પણ સવાલ છે.વીજ કંપનીઓના નિયમિત કર્મચારીઓએ કુદરતી આપત્તીઓના સમયમાં પણ ફરજ બજાવીને વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં ચાલુ કરવાની ક્ષમતા દર્શાવેલી છે ત્યારે અચાનક જ સત્તાધીશોને આઉટસોર્સિંગની જરુર કેમ પડી તે પણ તપાસનો વિષય છે.



Google NewsGoogle News