વીજ કંપનીના ૮૦ સબ ડિવિઝનમાં ફોલ્ટ રિપેરિંગની કામગીરી એજન્સીના હવાલે
વડોદરાઃ ગુજરાત સરકારની મધ્ય ગુજરાત વીજ કંપનીમાં પણ હવે આઉટસોર્સિંગ કલ્ચર ઝડપથી પ્રસરી રહ્યું છે.પહેલા ગ્રાહકોની ફરિયાદો સાંભળવા માટે અને નોંધવા માટે શરુ કરાયેલા કોલ સેન્ટરના સંચાલનનો કોન્ટ્રાક્ટ એજન્સીને અપાયો છે.હવે વીજ કંપનીના સત્તાધીશોએ ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ લાવવા માટે વીજ લાઈનો પરની ફોલ્ટ રિપેરિંગની કામગીરીનું પણ આઉટસોર્સિંગ કરવાનો નિર્ણય લીધો છે.
મળતી જાણકારી પ્રમાણે એમજીવીસીએલના વડોદરા સહિતના પાંચે સર્કલના ૮૦ સબ ડિવિઝનમાં તબક્કાવાર આ નિર્ણયનો અમલ કરાશે.જેના ભાગરુપે દરેક સબ ડિવિઝનમાં એજન્સીના ૯ કર્મચારીઓની ટીમ એક વાહન સાથે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે.ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાશે તો વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓની જગ્યાએ એજન્સીના કર્મચારીઓની ટીમ ફોલ્ટ રિપેર કરીને વીજ પુરવઠો પૂર્વવત શરુ કરવાની કામગીરી કરશે.
વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આ કામગીરી વખતે વીજ કંપનીના એક કર્મચારી સુપરવિઝન માટે હાજર રહેશે.ઉપરાંત એજન્સીના કર્મચારીઓને લો ટેન્શન લાઈન પરના ફોલ્ટ રિપેર કરવાની જ કામગીરી સોંપાશે.ફીડરને લગતી, ટ્રાન્સફોર્મરને લગતી અને હાઈ ટેન્શન લાઈન પરના ફોલ્ટને લગતી કામગીરી વીજ કંપનીના જ ટેકનિકલ કર્મચારીઓ કરશે.વડોદરા શહેરના ૧૪ સબ ડિવિઝનોમાં એજન્સીના કર્મચારીઓની ટીમ તૈનાત પણ કરી દેવાઈ છે.બાકીના સબ ડિવિઝનોમાં પણ તબક્કાવાર ટીમો તૈનાત કરાશે.
સૂત્રોનું કહેવું છે કે, કોલ સેન્ટર તેમજ ફોલ્ટ રિપેરિંગ ટીમો સહિત આઉટ સોર્સિંગની કામગીરી માટે વીજ કંપની ત્રણ વર્ષમાં ૧૦૮ કરોડ રુપિયા જેટલી જંગી રકમ ચૂકવશે.
ટેકનિકલ કર્મચારીઓમાં કચવાટ, ભવિષ્યમાં સરકાર ભરતી બંધ કરશે તેવો પણ ડર
ટેકનિકલ કર્મચારીઓની કામગીરીના વ્યાપકપણે આઉટસોર્સિંગના કારણે કર્મચારી આલમમાં પણ ઉચાટ જોવા મળી રહ્યો છે.ટેકનિકલ કર્મચારીઓને લાગી રહ્યું છે કે, ભવિષ્યમાં સરકાર વીજ કંપનીઓમાં ટેકનિકલ કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેશે અને આઉટસોર્સિંગનુ પ્રમાણ વધારશે.જોકે ટેકનિકલ કર્મચારીઓ એજન્સી દ્વારા મૂકવામાં આવેલા કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવો પર, એજન્સીના વાહનો ચલાવતા કેટલાક ડ્રાઈવરો પાસે લાઈસન્સ છે કે નહીં અને આ તમામ બાબતોની ચકાસણી એમજીવીસીએલના સત્તાધીશો કરે છે કે નહીં તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.ઉપરાંત આઉટસોર્સિંગ એજન્સીને ચૂકવાતી રકમમાં વીજ કંપની પોતે પણ કર્મચારીઓની નિમણૂંક કરી શકે છે તેવી લાગણી પણ કર્મચારી આલમમાં વ્યક્ત થઈ રહી છે.
વીજ કંપનીના કોલ સેન્ટરનું સંચાલન પણ એજન્સીના હવાલે, ૩૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે
મધ્ય ગુજરાત વીજ કંપનીએ ગ્રાહકો ફરિયાદ કરી શકે તે માટેના કોલ સેન્ટરની કામગીરીનું આઉટસોર્સિંગ કર્યું છે.જેના ભાગરુપે નર્મદા ભુવન ખાતે એક કોલ સેન્ટર કાર્યરત કરાયું છે અને તેમાં ટેલિફોનની ૧૦૦ લાઈનો રાખવામાં આવી છે.જેના પર એજન્સીના ૩૦૦ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે.વીજ ફોલ્ટની ફરિયાદો હવે ગ્રાહકોએ આ કોલ સેન્ટરમાં કરવાની રહે છે. હવે ફરિયાદોનું નિવારણ લાવવાનું કામ પણ એજન્સીના કર્મચારીઓ કરી રહ્યા છે.
કયા જિલ્લામાં કેટલા ડિવિઝનમાં ફોલ્ટ રિપેરિંગ ટીમો
આણંદ ૨૨
ખેડા ૨૦
વડોદરા ૩૨
છોટાઉદેપુર ૭