MSUમાં કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ભારે ગુપ્તતા વચ્ચે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પહેલી બેઠકમાં જ બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા કર્મચારી આલમમાં જોર શોરથી ચાલી રહી છે અને બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો આ મુદ્દે રહસ્યમ મૌન ધારણ કરીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં હાલમાં ૮૦૦ જેટલા હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે.થોડા મહિના અગાઉ જ્યારે સરકારના આદેશ પ્રમાણે કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવાની હિલચાલ થઈ ત્યારે સત્તાધીશોને કર્મચારી આલમના ભારે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો.એ પછી આ પ્રસ્તાવને અભરાઈ પર ચઢાવી દેવાયો હતો.
એવુ મનાઈ રહ્યુ છે કે, હવે જ્યારે કોમન યુનિવર્સિટી એકટ લાગુ થઈ ચુકયો છે ત્યારે સરકારને ખુશ કરવા માટે સત્તાધીશોએ ફરી આઉટ સોર્સિંગની કવાયત શરુ કરી છે.વાઈસ ચાન્સેલરે પોતાની કિચન કેબિનેટના સભ્ય મનાતા લોકોની બનાવેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
જોકે સત્તાધીશો આ મુદ્દે કશુ બોલવા માટે તૈયાર નથી.યુનિવર્સિટી રજિસ્ટ્રારને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હું બહારગામ છું અને પીઆરઓને પૂછો.પીઆરઓને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે આ મુદ્દે જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.
એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોને પણ કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણયો અંગે કશું નહીં બોલવાનો આદેશ અપાયો હોય તેમ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સ્થાન પામલેા અધ્યાપકો પણ એક હરફ ઉચ્ચારવા માટે તૈયાર નથી.જો આઉટસોર્સિંગનો નિર્ણય લેવાયો હશે તો યુનિવર્સિટી સત્તાધીશોને વધુ એક આંદોલનો સામનો કરવાનો વારો આવી શકે છે.કારણકે આ નિર્ણયથી ૮૦૦ જેટલા કર્મચારીઓની રોજી રોટી છીનવાઈ જશે.