અલકાપુરીમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા સાથે ખુલ્લેઆમ ચેડાંઃવસ્ત્ર,માળા ફેંકી દીધા
પીધેલાએ ભક્તોની લાગણી દુભાય તેવા બે કલાક સુધી કરતૂત કર્યાઃપ્રતિમાને કપડું પણ બાંધ્યું,તાળું લઇ ગયો
વડોદરાઃ અલકાપુરી જેતલપુર સર્કલ પર આવેલા શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા સાથે ફરી એક વાર ચેડાં કરવાના બનેલા બનાવને પગલે વૈષ્ણવોમાં ભારે રોષ ફેલાયો છે.
બીપીસી રોડ પર જેતલપુર સર્કલ પર આવેલા જગદ્ગુરૃ શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા ફરતે કાંચની કેબીન બનાવવામાં આવી છે અને તેને લોક પણ મારવામાં આવે છે.આમ છતાં આજે ફરી એક વાર પ્રતિમા સાથે ચેડાં કરવાનું નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું હતું.
લોકની ચાવી પાછળ જ રાખવામાં આવી હોવાથી એક માથાભારે શખ્સ પીધેલી હાલતમાં તાળું ખોલી ઘૂસી ગયો હતો અને તેણે પ્રતિમાની ઉપરનું વસ્ત્ર અને માળાજી ફેંકી દીધા હતા.પીધેલો એટેલેથી રોકાયો નહતો અને તેણે પોતે લાવેલું કપડું પહેરાવી તૂટેલો અરીસો ખોળામાં મૂકી દીધો હતો.તેણે અંદર ખાધું પણ હતું અને પેશાબ પણ કર્યો હતો.અંદર દારૃની વાંસ આવતી હોવાથી તેણે દારૃ પીધો હોવાનું મનાય છે.
સમગ્ર બનાવને નજરે જોનાર સિનિયર સિટિઝન ડો.શૈલેન્દ્રભાઇ શાહે કહ્યું હતું કે,મને જાણ થતાં હું તેને રોકવા ગયો તો ચાર થી પાંચ વાર લાકડી લઇ મને મારવા દોડયો હતો.જેથી હવેલીના બીજા વૈષ્ણવો અને પોલીસને જાણ કરતાં તે તાળું લઇને ફરાર થઇ ગયો હતો.લગભગ બે કલાક સુધી પીધેલાએ કરેલા તમાશાને પગલે ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
ગોત્રી પોલીસ આવી,પીધેલાને શોધવા આંટા માર્યા અને ચાલી ગઇ
શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા સાથે ચેડાં કરવાના બનેલા બનાવમાં ગોત્રી પોલીસે કોઇ જ પગલાં નહિં લેતાં પોલીસની કામગીરી સામે પણ ભક્તોમાં નારાજગી વ્યાપી છે.
વલ્લભાચાર્યજીની પ્રતિમા સાથે ચેડાં કરવાના બનાવ અંગે પ્રતિમાની રોજ સાફસફાઇ કરતા સિનિયર સિટિઝન ડોક્ટરે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરી હતી.
થોડી વારમાં ગોત્રી પોલીસ આવી હતી અને ભાગી ગયેલા પીધેલાને શોધવા માટે આંટા પણ માર્યા હતા.પરંતુ પીધેલાને શોધ્યા વગર જ પરત ફરી હતી.ઉપરોક્ત સ્થળે કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં ગોત્રી પોલીસ કાંઇ જ ઉકાળી શકી નથી.
જાહેર પ્રતિમાઓની દેખરેખ રાખવી જરૃરી
અગાઉ પણ લોકો મરઘી,ઇંડા,એંઠવાડ,દોરા-ધાગા, મંત્રેલી ચીજો મૂકી જતા હોવાથી હોબાળો થયો હતો
જાહેર પ્રતિમાઓની દેખરેખ કોર્પોરેશન અને પોલીસ માટે ગંભીર વિષય બન્યો છે.આવી પ્રતિમાઓના અપમાનને કારણે લોકો આઘાતની લાગણી અનુભવતા હોય છે.
જેતલપુર સર્કલ પાસે શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા પાસે અગાઉ પણ કોઇએ વાંધાજનક લખાણ લખ્યું હોવાથી હોબાળો થયો હતો.ગોત્રી પોલીસે તાત્કાલિક લખાણ દૂર કરી વિરોધ શાંત કર્યો હતો.
આ ઉપરાંત સર્કલ પાસે લોકો મરઘી, એંઠવાડ,ઇંડાના ફોતરા,મંત્રેલી ચીજો વગેરે મૂકી જતા હોવાથી ભક્તોની લાગણી દુભાતી હતી.આ અંગે હોબાળો થયો હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નહતી.
બૂમો પાડવા છતાં સિનિયર સિટિઝનની મદદે કોઇ ના આવ્યું
જેતલપુર સર્કલ પાસે આજે સવારે માથાભારે તત્વએ બે કલાક સુધી શ્રીમદ્ વલ્લભાચાર્યજીની પ્રતિમા સાથે ચેડાં કરવાનું કરતૂત કર્યું હતું.પરંતુ ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકો કે રાહદારીઓએ તેને ટોકવાની તસ્દી લીધી નહતી.પ્રતિમાની સેવા કરતા સિનિયર સિટિઝન શૈલેન્દ્રભાઇએ પીધેલાને પડકાર્યો હતો.પરંતુ તે લાકડી લઇ મારવા આવ્યો હતો.શૈલેષભાઇએ લોકોને મદદ માટે અપીલ પણ કરી હતી.પરંતુ કોઇ મદદે આવ્યું નહતું.આખરે પોલીસ આવી જતાં પીધેલો ભાગ્યો હતો.