વડોદરામાં 5000 થી વધુ સ્કૂલવાન, તેમાંથી ટેક્સી પાસિંગ માત્ર 50 પાસે જ છે
ટેક્સી પાસિંગના થાય ત્યાં સુધી સ્કૂલવાનની પરમિટ મળતી નથી, 3 મહિનામાં વાન ધારકોએ ટેક્સી પાસિંગ અને પરમિટ મેળવી લેવી પડશે
વડોદરા :ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કડક ચેકિંગ હાથ ધરીને સ્કૂલવાન ધારકોને નિયમોનું પાલન કરવા માટે ફરજ પાડતા સ્કૂલવાન ધારકોએ હડતાલ પાડીને વાલીઓ તથા સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આરટીઓએ જરૃરી લાયસન્સ મેળવી લેવા માટે ૩ મહિનાની મુદ્દત આપતા આજથી સ્કૂલવાન ધારકોએ હડતાલ સમેટી હતી. વડોદરામાં તો સ્થિતિ એવી છે કે ૫,૦૦૦ માંથી માત્ર ૫૦ સ્કૂલવાન જ ટેક્સી પાસિંગ ધરાવે છે.
રાજ્યભરમાં સ્કૂલવાન ધારકો આરટીઓ અને ટ્રાફિકના નીતિ નિયમોને ઘોળીને પી ગયા છે અને વર્ષોથી સ્કૂલવાન પરમિટ અને ટેક્સિ પાસિંગ વગર જ સ્કૂલવાન તરીકે પોતાનું વાહન ચલાવી રહ્યા છે. દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૃઆત થાય એટલે તંત્ર થોડા દિવસ ચેકિંગનું નાટક કરે અને ગણતરીના સ્કૂલવાન ધારકોને દંડ ફટકારીને કામગીરી સમેટી લે. રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સરકારની આંખ ઉઘડી છે અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવા માટે તંત્ર કામે લાવ્યુ છે. જેમાં સ્કૂલવાન ધારકો સામે પણ તંત્રએ પગલા લેવાનું શરૃ કરતા વડોદરા અને અમદાવાદમાં સ્કૂલવાન ધારકો આડા ફાટયા હતા અને હડતાલ પાડીને સ્કૂલવાન જ બંધ કરી દેતા વાલીઓ મુંઝવણમાં મુકાયા હતા.
વડોદરામાં પણ સ્કૂલવાન એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડે આર.ટી.ઓ. સામે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા કે સ્કૂલવાન ધારકો તો લાયસન્સ માગી રહ્યા છે પણ આર.ટી.ઓ. આપતુ નથી. આ આક્ષેપની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ કે જીવન ભરવાડે આર.ટી.ઓ. સામે પાયાવગરના આક્ષેપો કર્યા હતા. વડોદરામાં ૫,૦૦૦થી વધુ સ્કૂલવાન દોડી રહી છે તેમાંથી માત્ર ૫૦ સ્કૂલવાન પાસે જ ટેક્સિ પાસિંગ છે એટલે કે માત્ર એક ટકા સ્કૂલવાન જ ટેક્સિ પાસિંગ ધરાવે છે. નિયમ એવો છે કે સ્કૂલવાન માટે પરમિટી મેળવવી હોય તો પહેલા વાહનનું ટેક્સિ પાસિંગ કરાવવુ પડે તે પછી જ તેને સ્કૂલવાન પરમિટ મળે છે. આર.ટી.ઓ. અધિકારીનું કહેવું છે કે સ્કૂલવાન સંચાલકોની ધમકીઓથી તંત્ર ડરવાનું નથી. બાળકોની સેફ્ટી માટે આરટીઓની ડ્રાઇવ ચાલુ જ રહેશે.