મહિલા ડોક્ટરના ભાગે ૮૦ લાખ પૈકી ત્રણ લાખ આવ્યા હતા
અન્ય આરોપીઓને પકડવા રાજસ્થાન ગયેલી પોલીસ ખાલી હાથે પરત ફરી
વડોદરા,પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને શહેરના ડોક્ટર પાસેથી ૮૦ લાખ પડાવી લેવાના ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવા રાજસ્થાન ગયેલી મકરપુરા પોલીસ ખાલી હાથે પરત ફરી હતી.
રાવપુરા ટાવર પાસે સ્વર હોસ્પિટલ રાવતા અને સિંધવાઇ માતા રોડની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો.રાજેશ માર્કંડભાઇ રાણેની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને ઠગ ત્રિપુટીએ ૮૦ લાખ પડાવી લીધા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં ડો.શુભાંગિનીબેન કુમારસીંગ સંપત (રહે.ગેટ વે વિલા, ગુડા રોડ, નાગોલ, હૈદરાબાદ), સિદ્ધાર્થ બસંતકુમાર ગેહલૌત (રહે. આદર્શ નગર, કેસારપુરા રોડ, જિ.શિરોહી, રાજસ્થાન) તથા તારાસીંગ ભૂપેન્દ્રપ્રરાત સિંગ (રહે. સ્વરૃપગંજ, ભવરી, જિ.શિરોહી, રાજસ્થાન) પૈકી પોલીસે ડો.શુભાંગિનીની ધરપકડી કરી રિમાન્ડ મેળવ્યા હતા. અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની એક ટીમ રાજસ્થાન ગઇ હતી. પરંતુ, બંને આરોપીઓ ઘર છોડીને ભાગી ગયા હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસ પરત ફરી છે. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, ૮૦ લાખ પૈકી શુભાંગિનીના ભાગે ત્રણ લાખ આવ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.